Last Updated on by Sampurna Samachar
સંસદે પસાર કરેલા કાયદા બંધારણીય છે
કાયદાનો ઉદ્દેશ વક્ફ સંપત્તિઓને જપ્ત કરવાનો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ વક્ફ બિલની અરજીને લઇ સુનાવણી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાઓ બંધારણીય ગણાય છે અને જ્યાં સુધી કોઈ સ્પષ્ટ અને ગંભીર સમસ્યા ન હોય ત્યાં સુધી અદાલતો હસ્તક્ષેપ કરી શકે નહીં. તેમણે આ ટિપ્પણી વક્ફ (WAQF) સુધારા કાયદા સામેની અરજીઓ પર સુનાવણી દરમિયાન કરી હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયમૂર્તિ એજી મસીહની ખંડપીઠ આ સુનાવણી કરે છે.

આ મામલે કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને વિનંતી કરી હતી કે તે વક્ફ (સંશોધન) અધિનિયમની માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણીને ત્રણ મુદ્દાઓ સુધી મર્યાદિત રાખે, જેમાં ‘કોર્ટ, યૂઝર અને ડીડ’ દ્વારા જાહેર કરાયેલી વક્ફ સંપત્તિઓને ડિ-નોટિફાઈ કરવાનો બોર્ડનો અધિકાર પણ સામેલ છે.
મહત્વના કાયદા પર ટુકડે-ટુકડે સુનાવણી ન થાય
વક્ફ (સંશોધન) કાયદાની બંધારણીયતાને પડકારનારા અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક સિંઘવીએ કેન્દ્રની દલીલનો વિરોધ કરતાં કહ્યું હતું કે મહત્વના કાયદા પર ટુકડે-ટુકડે સુનાવણી થઈ શકે નહીં.
કોર્ટમાં કપિલ સિબ્બલે દોહરાવ્યું હતું કે કાયદાનો ઉદ્દેશ વક્ફ સંપત્તિઓને જપ્ત કરવાનો છે. જેના જવાબમાં મુખ્ય ન્યાયાધીશ ગવઈએ કહ્યું, “સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદામાં બંધારણીય હોય છે. જ્યાં સુધી કોઈ સ્પષ્ટ કેસ નથી બને, અર્થાત બંધારણનું ઉલ્લંઘન થયું છે એવું સ્પષ્ટ રીતે સાબિત ન થાય ત્યાં સુધી અદાલતો હસ્તક્ષેપ કરી શકે નહીં, ખાસ કરીને વર્તમાન પરિસ્થિતિમાં અમારે આથી વધુ કંઈ કહેવાની જરૂર નથી.