Last Updated on by Sampurna Samachar
દક્ષિણ ચીન સાગરમાં બબાલ
હેલિકોપ્ટરના ત્રણ ચાલક દળના સભ્યોને બચાવી લેવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સમુદ્રની વચ્ચોવચ દુનિયાના સૌથી શક્તિશાળી યુદ્ધજહાજ અને તેના અડધા કલાકમાં બે એરક્રાફ્ટ ગાયબ થઈ ગયા? જી હા. ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ યુએસએસ નિમિત્ઝ વિમાનવાહક જહાજ પર આવી એક ઘટના ઘટી છે. ત્યારબાદ સમગ્ર દુનિયામાં તેની ચર્ચા છે. અહેવાલ મુજબ નેવીના પ્રશાંત બેડેએ કહ્યું કે વિમાનવાહક જહાજ યુએસએસ નિમિત્ઝ પર આધારિત એક ફાઈટર જેટ અને એક હેલિકોપ્ટર બંને ૩૦ મિનિટના સમયગાળામાં દક્ષિણ ચીન સાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયા.

બેડેએ એક નિવેદનમાં કહ્યું કે એમએચ-૬૦ આર સી હોક હેલિકોપ્ટરના ત્રણ ચાલક દળના સભ્યોને બચાવી લેવાયા અને એફ/એ-૧૮ સુપર હોર્નેટ ફાઈટર જેટમાં બે એવિએટર બહાર નીકળી ગયા અને તેમને સુરક્ષિત રીતે મેળવી લેવાયા અને તમામ પાંચ સુરક્ષિત અને સ્થિર સ્થિતિમાં છે. નિવેદનમાં કહેવાયું છે કે બંને દુર્ઘટનાઓના કારણોની તપાસ થઈ રહી છે. આ વિસ્તાર આમ પણ સુપરસેન્સિટિવ છે. જ્યાં ચીન અને અમેરિકાની તનાતની ચાલતી રહે છે.
અકસ્માતોની તપાસ હજુ પૂરી થઈ નથી
રાહતના સમાચાર એ છે કે જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. હેલિકોપ્ટરના ત્રણ ક્રુ સભ્યોને નિમિત્ઝના સર્ચ એન્ડ રેસ્ક્યૂ દળે તરત બચાવી લીધા. ફાઈટર જેટના બંને પાઈલોટ્સે ઈમરજન્સીમાં ઈજેક્ટ કર્યું અને તેઓ પણ સુરક્ષિત છે. યુએસ પેસિફિક ફ્લીટે નિવેદન આપ્યું કે તમામ પાંચ ક્રુ સભ્યો સુરક્ષિત છે અને તેમની સ્થિતિ સ્થિર છે. પરંતુ સવાલ એ છે કે આખરે એવું તે શું થયું ? નેવીએ કહ્યું કે અકસ્માતના કારણોની તપાસ શરૂ થઈ ગઈ છે. કદાચ ટેક્નિકલ ખરાબી, હવામાન કે માનવીય ભૂલ…કઈ પણ હોઈ શકે છે.
યુએસએસ નિમિત્ઝ કોઈ સામાન્ય જહાજ નથી. તે ૧૯૭૫થી અમેરિકાની નેવીનું ગૌરવ રહ્યું છે. આ વર્ષે તે મિડલ ઈસ્ટમાં હતું. જ્યાં યમનના હૂતી વિદ્રોહીઓના હુમલાના જવાબમાં તૈનાત હતું. હવે તે વોશિંગ્ટનના નેવલ બેસ કિટસૈપ પરત ફરી રહ્યું છે. આ તેનું છેલ્લું મિશન છે. કારણ કે ૨૦૨૬માં તેને રિટાયર કરી દેવાશે? નવા ફોર્ડ ક્લાઝ કેરિયર્સ તેની જગ્યા લેશે. પરંતુ આ અકસ્માતો જૂના જહાજોના મેન્ટેનન્સ પ્રોબલમ્સ તરફ ઈશારો કરે છે.
આ કોઈ પહેલીવાર નથી બન્યું. હાલમાં જ યુએસએસ હૈરી એસ. ટ્રૂમેન કેરિયર સાથે પણ આવા અકસ્માતો થયા છે. ડિસેમ્બર ૨૦૨૪માં તેના એક જેટને ભૂલથી યુએસએસ ગેટિસબર્ગ ક્રૂઝરે તોડી પાડ્યું. પછી એપ્રિલ ૨૦૨૫માં એક એફ/એ-૧૮ હેંગર ડેકથી લપસીને રેડ સીમાં પડી ગયું. મેમાં એક જેટ લેન્ડિંગ દરમિયાન કેબલ પકડી શક્યું નહીં અને સમુદ્રમાં જતું રહ્યું. દર વખતે પાઈલોટ સુરક્ષિત બચી ગયા પરંતુ આ અકસ્માતોની તપાસ હજુ પૂરી થઈ નથી.