Last Updated on by Sampurna Samachar
મારા પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા આપો તેવી માંગ કરી
ડીપફેકથી જાહેરાતો બનાવાઈ હોવાનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. એક્ટરે કોર્ટ પાસે માંગ કરી છે કે, મંજૂરી વિના મારા ફોટોનો ઉપયોગ સટ્ટાની સાઈટ્સ, બિઝનેસ સાઈટ્સ અને અન્ય ખોટા સ્થળે થઈ રહ્યો છે. એવામાં મારા પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા આપો.
સુનીલ શેટ્ટીના વરિષ્ઠ વકીલ બિરેન્દ્ર સરાફે કોર્ટમાં દલીલ કરી હતી કે, સુનીલ શેટ્ટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારૂ એવુ નામ ધરાવે છે. તેમની મંજૂરી વિના તેમની તસવીરો, વીડિયો અને ડીપફેક કન્ટેન્ટનો ઉપયોગ અલગ-અલગ બિઝનેસ સાઈટ્સ પર થઈ રહ્યો છે. મોટાભાગની તસવીરો અને વીડિયોનો ઉપયોગ પ્રોડક્ટના વિજ્ઞાપન અને વેચાણ વધારવા થઈ રહ્યો છે.
ટૂંકસમયમાં ચુકાદો આપવાની જાહેરાત કરી
લોકોને લાગે છે કે, શેટ્ટી આ બ્રાન્ડ સાથે જોડાયેલા છે, પરંતુ વાસ્તવમાં તેમને તે બ્રાન્ડ કે પ્રોડક્ટ સાથે કોઈ લેવાદેવા નથી. તેનાથી દર્શકો વચ્ચે એક્ટરની છબિ ખરાબ થઈ રહી છે. સુનીલ શેટ્ટી તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં ડીપફેક ફોટોનો પણ ઉલ્લેખ કર્યો છે.
અરજીમાં જણાવ્યું છે કે, હાલમાં જ સાઈટ્સ પર મારી અને મારી ભત્રીજી ઈવારાનો નકલી (ડીપફેક) ફોટો લગાવી અમારી ગુપ્તતાનું ઉલ્લંઘન કર્યું છે. ઈવારા તેમની પુત્રી અથિયાની દીકરી છે. અરજીમાં સુનીલ શેટ્ટીએ વેબસાઈટ્સ પર વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. ભલે આ સાઈટને બ્લોક કરવામાં ન આવે, પરંતુ મારી ફોટો સાથેની વિગતો સાઈટ્સ પરથી દૂર કરવામાં આવે.
આ મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ અરિફ ડોક્ટરની બેન્ચે ટૂંકસમયમાં ચુકાદો આપવાની જાહેરાત કરી છે. અગાઉ અન્ય ઘણા એક્ટર પણ પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે કોર્ટના દરવાજા ખટખટાવી ચૂક્યા છે. તેમાં અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન, અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, કરણ જોહર, આશા ભોસલે જેવા સ્ટાર સામેલ છે. ઉલ્લેખનીય છે, સુનીલ શેટ્ટી વેલકમ ટુ ધ જંગલમાં જોવા મળશે. તદુપરાંત તેમની હંટર-૨, કેસરી વીર ફિલ્મ પણ રીલિઝ થઈ ચૂકી છે. હંટર-૨ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થઈ છે.