Last Updated on by Sampurna Samachar
ભારત એશિયા કપ ૨૦૨૫ના સુપર-૪ સ્ટેજ માટે ક્વોલિફાય
સુનીલ ગાવસ્કરનુ નિવેદન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ઓમાન વચ્ચે એશિયા કપ ૨૦૨૫ ગ્રુપ-છ મેચ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય પ્રમામે રાત્રે ૮:૦૦ વાગ્યે શરૂ થશે. સંયુક્ત આરબ અમીરાત અને પાકિસ્તાનને હરાવીને ભારત એશિયા કપ ૨૦૨૫ના સુપર-૪ સ્ટેજ માટે ક્વોલિફાય થઈ ગયું છે. ભારત સુપર-૪ સ્ટેજમાં પોતાની પહેલી મેચ ૨૧ સપ્ટેમ્બર, રવિવારના રોજ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે.
હવે આ વચ્ચે પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી બધા હેરાન રહી ગયા છે. સુનીલ ગાવસ્કરે ભારતીય ટીમ મેનેજમેન્ટને એશિયા કપ ૨૦૨૫ની આગામી બે મેચ માટે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવાની અને તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવાની સલાહ આપી છે.
અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને તક મળવાની આશા
ગાવસ્કરે સૂચન કર્યું છે કે, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને માત્ર ઓમાન સામેની છેલ્લી ગ્રુપ-સ્ટેજ મેચ માટે જ નહીં પરંતુ ૨૧ સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની પ્રથમ સુપર-૪ સ્ટેજ મેચ માટે પણ આરામ આપવો જોઈએ. સુનીલ ગાવસ્કરે એશિયા કપ ૨૦૨૫ના બ્રોડકાસ્ટર્સ સાથે વાત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.
સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ઓમાન સામેની મેચ ભારતને પોતાની લાઈનઅપમાં નાના-મોટા ફેરફારો કરવાની તક આપે છે. આનાથી ટીમને બેન્ચ સ્ટ્રેન્થ ચકાસવાની તક મળી શકે છે. સંજુ સેમસન, તિલક વર્મા અને હાર્દિક પંડ્યાને ક્રીઝ પર થોડો કિંમતી સમય વિતાવવાની તક મળી શકે છે. સુનીલ ગાવસ્કરે એમ પણ કહ્યું કે, આરામ આપવાથી જસપ્રીત બુમરાહ વધુ પડકારજનક સુપર-૪ મેચો માટે ફ્રેશ રહેશે.
સુનીલ ગાવસ્કરે આગળ કહ્યું કે, મારું માનવું છે કે, જસપ્રીત બુમરાહને આરામ આપવો જાેઈએ. કદાચ પાકિસ્તાન સામેની મેચમાં પણ તેને આરામ આપવો જોઈએ, જેથી તે શ્રીલંકા સામે થનારી સુપર-૪ની મોટી મેચ માટે ઉપલબ્ધ રહે. ભારતે આના પર જ ધ્યાન આપવું જોઈએ. ચોક્કસપણે બેન્ચ પર બેઠેલા એક ખેલાડીને પણ સામેલ કરવો પડશે, પરંતુ બુમરાહને આરામ આપવા માટે તેને પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર રાખવો જોઈએ. જસપ્રીત બુમરાહની જગ્યાએ અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને તક મળવાની અપેક્ષા છે.