Last Updated on by Sampurna Samachar
કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ લાગી
સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતને મોટા નુકસાનની ભીતિ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર વિસ્તારના પાંચકુવા રેવડી બજાર માર્કેટમાં ગઈ કાલે લાગી હતી અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ૫-૬ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. આગની તીવ્રતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા જ ફાયર વિભાગની ૧૦થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. હાલ ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતને મોટા નુકસાનની ભીતિ છે.
રેવડી બજાર કાપડના વેપાર માટે જાણીતું હોવાથી માર્કેટમાં માલ-સામાનનો મોટો જથ્થો હોય છે, જેના કારણે આગ વધુ પ્રસરવાનો ભય સેવાઈ રહ્યો છે. આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે.