Last Updated on by Sampurna Samachar
ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર
ભારતીય ખેલાડીનો મોટો ર્નિણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
એશિયા કપ ૨૦૨૫મા ભારતીય ટીમે જીત સાથે શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ભારતે યુએઈને ૯ વિકેટે કારમો પરાજય આપ્યો હતો. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે ટક્કર થવાની છે. પરંતુ આ પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમના ઓલરાઉન્ડર વોશિંગટન સુંદરે અચાનક એશિયા કપ સ્ક્વોડ છોડી ઈંગ્લેન્ડ જવાનો ર્નિણય કર્યો છે.
હકીકતમાં વોશિંગટન સુંદરને આ ટૂર્નામેન્ટ માટે રિઝર્વ ખેલાડીમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેવામાં ટૂર્નામેન્ટમાં મેચ રમવાની સંભાવના નહિવત હતી. આ વચ્ચે તેને ઈંગ્લિશ કાઉન્ટી ટીમ હેમ્પશાયર તરફથી રમવાની ઓફર મળી, જેનો તેણે સ્વીકાર કર્યો છે. સુંદર હવે કાઉન્ટી ચેમ્પિયનશિપની બે મેચ માટે હેમ્પશાયર ટીમમાં સામેલ થયો છે.
ડાયરેક્ટર ગાઇલ્સ વ્હાઇટે પણ સુંદરને લઈને ખુશી વ્યક્ત કરી
હેમ્પશાયર ક્રિકેટ ક્લબએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ વિશે જાણકારી આપતા સુંદરનું સ્વાગત કર્યું અને લખ્યું, અમને સુંદરને ટીમમાં સામેલ કરવાનો વિશ્વાસ હતો. તમારૂ સ્વાગત છે વાશી! ભારતીય ઓલરાઉન્ડર વોશિંગટન સુંદર હેમ્પશાયર તરફથી રોઝ એન્ડ ક્રાઉન વિરુદ્ધ છેલ્લી બે મેચ માટે રમશે. ક્લબ ક્રિકેટના ડાયરેક્ટર ગાઇલ્સ વ્હાઇટે પણ સુંદરને લઈને ખુશી વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું- અમે વોશિંગટનને ટીમમાં સામેલ કરી ઉત્સાહિત છીએ. ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેની પાછલી સિરીઝ શાનદાર રહી હતી અને અમને વિશ્વાસ છે કે તે સમરસેટ અને સરે વિરુદ્ધ આવનારી બે મોટી મેચમાં મહત્વની ભૂમિકા ભજવશે.
વોશિંગટન સુંદરનો તાજેતરનો ઈંગ્લેન્ડ પ્રવાસ યાદગાર રહ્યો હતો. પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં તેણે બેટ અને બોલથી કમાલનું પ્રદર્શન કર્યું હતું. બેટિંગમાં તેણે ૨૮૪ રન ફટકાર્યા હતા. આ દરમિયાન ઓલ્ડ ટ્રેફર્ટમાં શાનદાર સદી પણ ફટકારી હતી. બોલિંગમાં પણ સુંદરે શાનદાર ફોર્મ દેખાડતા ૭ વિતેટ લીધી હતી. આ ફોર્મને જોઈને હેમ્પશાયરે કાઉન્ટી સિઝન માટે સુંદરને ટીમમાં સામેલ કર્યો છે.