Last Updated on by Sampurna Samachar
ટ્રેનની ખામીઓ પરની ફરિયાદ બાદ નવી ટ્રેન ફાળવાઇ
રેલવે મંત્રાલયના ૪ રેલવે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરનાથ યાત્રામાં કડક સુરક્ષા હેતુસર અમરનાથ જતા BSF જવાનને અતિ ખરાબ ટ્રેન ફાળવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. યાત્રા અંતર્ગત ૧૨૦૦ જેટલા BSF ના જવાનોને ડ્યુટી પર જવા માટે નીકળ્યા હતા. ત્યારે ‘ખરાબ‘ ટ્રેનને કારણે હોબાળો થયો હતો. જે મામલે ૫ દિવસ જૂના કેસમાં રેલવે મંત્રાલયના ૪ રેલવે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.
મળતી માહિતી અનુસાર ૬ જૂનના રોજ જવાનોને ત્રિપુરાથી અમરનાથ જવાનું હતું. નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે (NFR) એ જે ટ્રેન જવાનોને ઉપલબ્ધ કરાવી હતી, જેમાં બારી-દરવાજા તૂટેલા હતા. ટોયલેટ તૂટેલું અને ગંદુ હતું, લાઈટ પણ નહતી. સીટો પર ગાદીઓ પણ નહતી. રેલવેમાં વંદા ફરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ બધુ જોઈને જવાનોએ ઇનકાર કરતા ૧૦ જૂને બીજી ટ્રેન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
રેલવેના NFR ઝોનના અધિકારીએ જણાવ્યું
જવાનોએ અમરનાથ તીર્થયાત્રી ડ્યુટી માટે કાશ્મીર પહોંચવાનું હતું. જે ટ્રેનથી તેમને જવાનું હતું, તેનું BSF ની કંપની કમાન્ડરે નિરીક્ષણ કર્યું. ટ્રેનની સ્થિતિ જોઈને તેઓ ચોંકી ગયા. ટ્રેનના ડબ્બાઓની હાલત ખુબ ખરાબ હતી. તેનો ઉપયોગ જવાનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરી શકાય તેમ ન હતો. તપાસ બાદ ખબર પડી કે ડબ્બાઓનો મહિનાઓથી ઉપયોગ થયો નહતો. તમામ ડબ્બામાં ઠેટઠેકાણે તૂટેલો સામાન પડ્યો હતો. વધુ પડતી સીટો ગંદકી ફેલાયેલી હતી. ટ્રેનના અનેક ડબ્બામાં બલ્બ કે વીજળી કનેક્શન ન હતું.
ભારતીય રેલવેના NFR ઝોનના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, ૬ જૂને રવાના થનારી ટ્રેનને રદ કરી દેવાઈ છે. કારણ કે BSF એ ટ્રેનની ખામીઓ પર ફરિયાદ કરી હતી. જેને લઈને હવે તેમને બીજી ટ્રેન ફાળવાઈ છે.