Last Updated on by Sampurna Samachar
ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો
ભારતે સતત આ દાવાને નકાર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકવાર ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામનો શ્રેય લઈ રહ્યા છે. હવે તેમણે દાવો કર્યો છે કે, બંને દેશ વચ્ચે પરમાણુ યુદ્ધ શરૂ થવાનું હતું. જોકે , ભારતે સતત આ દાવાને નકારતા કહ્યું છે કે, સંઘર્ષ વિરામમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. પહલગામ આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદીઓ સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જેના જવાબમાં પાકિસ્તાને પણ કાર્યવાહી કરી હતી.

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે કહ્યું કે, ‘અમે યુદ્ધ વિરામ કરાવવામાં સફળ રહ્યા હતા. ભારત અને પાકિસ્તાનને જોઈ લો. જે પ્રકારે આ યુદ્ધ ચાલી રહ્યું હતું, ભારત અને પાકિસ્તાનમાં એક અઠવાડિયામાં પરમાણુ યુદ્ધ શરૂ થઈ જાત. પરંતુ, અમે તેનો વેપારની મદદથી ઉકેલ લાવ્યા. મેં કહ્યું કે, જ્યાં સુધી તમે સમાધાન નહીં કરો, ત્યાં સુધી અમે વેપાર વિશે વાત નહીં કરીએ અને આવું કર્યું.
ઓપરેશનમાં ભારતીય પક્ષને કોઈ નુકસાન નહીં
જોકે, આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે આ પ્રકારનો દાવો કર્યો છે. પહેલા પણ અનેકવાર કહેતા રહ્યા છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ રોકવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો પણ આ પ્રકારનો દાવો કરી ચુક્યા છે. ગત અઠવાડિયે તેમણે કહ્યું હતું કે, ‘પ્રમુખ મહોદય, હું અહીં એક યાદી પર નજર દોડાવી રહ્યો છું. ઘરેલુ સ્તર પર હાંસલ કરવામાં આવેલી તમામ ઉપ્લબ્ધિઓ પર. અમે તમારા નેતૃત્વમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પણ કરાવ્યું.‘
ઓપરેશન સિંદૂર પછી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, પાકિસ્તાનના DGMO એ ભારતીનો સંપર્ક કર્યો હતો. મળતી માહિતી મુજબ, તેમણે તમામ લશ્કરી કાર્યવાહી બંધ કરવાની વિનંતી કરી હતી. ભારતની કાર્યવાહીના જવાબમાં, પાકિસ્તાને ભારતીય શહેરો પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો હતો, પરંતુ ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી સામે બધા નિષ્ફળ ગયા.
આ ઓપરેશનમાં ભારતીય પક્ષને કોઈ નુકસાન નથી થયું. , ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પણ તાજેતરમાં આ દાવો કર્યો હતો કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતને કોઈ નુકસાન નથી થયું.