Last Updated on by Sampurna Samachar
ફાઈનલમાં બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ ગુજરાતી ખેલાડીને
કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ સારી ભાગીદારી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતે ૧૨ વર્ષ બાદ ફરી પાછી ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પોતાના નામ કરી છે. આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ઉમદા બેટિંગ, ફિલ્ડિંગ અને બોલિંગે ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેસ્ટ ફિલ્ડર્સ પૈકી એક જાડેજાને ફાઈનલમાં વિજયી બન્યા બાદ ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ ફિલ્ડર ઓફ ધ મેચના મેડલથી નવાજવામાં આવ્યો હતો. ભારતના ફિલ્ડિંગ કોચ ટી. દિલિપની યાદમાં અપાતો આ મેડલ મેચમાં શ્રેષ્ઠ ફિલ્ડિંગ બદલ આપવામાં આવે છે.

ફિલ્ડિંગ મેડલ એ ૨૦૨૩ ODI વર્લ્ડ કપથી ભારતીય ટીમમાં પ્રચલિત પરંપરા બન્યો છે. કોચ ટી. દિલિપ દ્વારા રજૂ કરવામાં આવેલો આ મેડલ પ્રત્યેક મેચમાં શ્રેષ્ઠ ફિલ્ડિંગ કરવા બદલ આપવામાં આવે છે. ફિલ્ડિંગના માપદંડોમાં સુધારો કરવાના ઉદ્દેશ સાથે શ્રેષ્ઠ ફિલ્ડરને ડ્રેસિંગ રૂમમાં આ મેડલ પુરસ્કૃત કરવામાં આવે છે. આ મેડલ ટીમ ઈન્ડિયા માટે ગર્વનો સ્રોત બની ચૂક્યો છે.
હું ક્યારેક હીરો તો ક્યારેક ઝીરો બનું છું
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ફાઈનલમાં જાડેજા ફિલ્ડ પર છવાયો હતો. રન બચાવવામાં, કેચ કરવામાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપી ન્યૂઝીલેન્ડના બેટર્સ પર પ્રેશર સર્જવામાં સફળ રહ્યો હતો. ફિલ્ડિંગમાં તેના શ્રેષ્ઠ યોગદાનથી ન્યૂઝીલેન્ડ ભારત માટે મોટો ટાર્ગેટ સર્જી શકી નહીં. તે ૨૫૧ રન જ બનાવી શકી.
રવીન્દ્ર જાડેજાએ ભારતની જીત બાદ કહ્યું કે, મારો બેટિંગ નંબર જ એવો છે કે, હું ક્યારેક હીરો તો ક્યારેક ઝીરો બનું છું. સૌથી મહત્ત્વની વાત એ છે કે કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ સારી ભાગીદારી કરી હતી. પહેલી બેટિંગ માટે આ વિકેટ સારી ન હતી. આ એક મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે.