Last Updated on by Sampurna Samachar
વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય અને ચિંતાનો માહોલ
ખોખરા પોલીસે વિદ્યાર્થીની ઓળખ કરી કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં શિક્ષણ જગતને શરમજનક બનાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. આ હુમલો કોઈ બહારની વ્યક્તિએ નહીં પરંતુ સ્કૂલના જ અન્ય વિદ્યાર્થીઓએ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે.
મહત્વનું છે કે, આ પ્રકારની હિંસા શાળાના પરિસરમાં થવી એ સમાજ માટે એક ગંભીર ચેતવણી છે. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. પરંતુ આ ઘટનાની માનસિક અસર લાંબા સમય સુધી રહી શકે છે. આ ઘટનાની જાણ થતા જ ખોખરા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હુમલો કરનાર વિદ્યાર્થીઓની ઓળખ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
શાળા પ્રશાસન અને વાલીઓએ વધુ જાગૃત થવાની જરૂર
આ ઘટના શાળાઓમાં વધતી જતી હિંસા અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર સવાલો ઉભા કરે છે. શાળા પ્રશાસન અને વાલીઓએ આ બાબતે વધુ જાગૃત થવાની જરૂર છે. શાળાઓમાં સલામતીના કડક નિયમોનું પાલન કરવું અને વિદ્યાર્થીઓમાં શાંતિ અને સંવાદિતાનું વાતાવરણ કેળવવું અત્યંત જરૂરી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને અને બાળકો સુરક્ષિત રીતે અભ્યાસ કરી શકે.