Last Updated on by Sampurna Samachar
બાંગ્લાદેશની સુરક્ષા એજન્સીઓના દાવા પર સવાલ
મોસ્ટ વોન્ટેડ અપરાધી દુબઇમાં હોવાનો ખૂલાસો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાં ચર્ચિત વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા મામલે એક એવો સનસનીખેજ વળાંક આવ્યો છે, જેણે બાંગ્લાદેશની સુરક્ષા એજન્સીઓના દાવા પર સવાલ ઊભા કરી દીધા છે. આ હત્યાકાંડનો મુખ્ય આરોપી અને બાંગ્લાદેશનો મોસ્ટ વોન્ટેડ અપરાધી ફેઝલ કરીમ મસૂદના ઠેકાણા વિશે માહિતી મળી ગઈ છે. બાંગ્લાદેશ દ્વારા પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે, તે ભારતમાં છુપાયો છે પરંતુ હવે જે અહેવાલ સામે આવ્યા છે તે પ્રમાણે તે દુબઈમાં છે.

ગત દિવસોમાં ઢાકા મહાનગર પોલીસના એડિશનલ કમિશ્નર એસ. એન. નઝમુલ ઈસ્લામે દાવો કર્યો હતો કે, ફૈઝલ મસૂદ અને તેનો સાથી આલમગીર શેખ મેઘાલય થઈને ભારત ભાગી ગયો છે. જોકે, હવે એક ટેલિવિઝન ચેનલે એક રિપોર્ટમાં દસ્તાવેજો અને એક વીડિયોના હવાલે આ દાવાને જૂઠ્ઠો સાબિત કરી દીધો છે.
હાદીની હત્યા પાછળ જમાત-એ-ઈસ્લામીનો હાથ હોઈ શકે
મસૂદ પાસે સંયુક્ત આરબ અમીરાતનો પાંચ વર્ષનો મલ્ટીપલ-એન્ટ્રી વિઝા છે, જે ડિસેમ્બર ૨૦૨૨માં જારી કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં તે લોન્ગ-ટર્મ ટૂરિઝમ વિઝા પર દુબઈમાં રહી રહ્યો છે.
દુબઈથી જારી કરવામાં આવેલા એક વીડિયો મેસેજમાં ફૈઝલ મસૂદે પોતાને નિર્દોષ ગણાવતા સમગ્ર કાર્યવાહીને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. મસૂદે દાવો કર્યો કે, હાદીની હત્યા પાછળ જમાત-એ-ઈસ્લામીનો હાથ હોઈ શકે છે. હાદી ખુદ જમાત-એ-ઈસ્લામી સાથે સંકળાયેલો હતો અને શક્ય છે કે જમાતમાં રહેલા તત્વોએ જ આ હત્યા કરી હોય. મને અને મારા પરિવારને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે.
મસૂદે સ્વીકાર્યું કે, હાદી સાથે મારા વ્યાવસાયિક અને રાજકીય સંબંધો હતા કારણ કે તે એક આઇટી ફર્મનો માલિક છે. મેં હાદીને રાજકીય ફંડ પણ આપ્યું હતું, જેના બદલામાં હાદીએ મને સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાનો વાયદો કર્યો હતો.
હવે આ ખુલાસા બાદ બાંગ્લાદેશી મીડિયા અને પોલીસના દાવા પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસે દાવો કર્યો હતો કે, મસૂદ મયમનસિંહની સરહદથી ભારતમાં ભાગી ગયો હતો, જ્યારે તે દુબઈમાં સુરક્ષિત છે. મસૂદ દ્વારા જમાત-એ-ઈસ્લામીનો ઉલ્લેખ કરવાથી બાંગ્લાદેશના આતંરિક રાજકારણમાં ઉથલપાથલ મચી શકે છે, જ્યાં હાદીના મૃત્યુ બાદ પહેલાથી જ વ્યાપક હિંસા અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.
ઉસ્માન હાદી ઇન્કિલાબ મંચનો પ્રવક્તા અને પ્રભાવશાળી યુવા નેતા હતો, ૧૨ ડિસેમ્બરના રોજ ઢાકામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેના મોત બાદ બાંગ્લાદેશમાં ભારત વિરોધી ભાવનાઓ ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને કટ્ટરપંથી સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે, હત્યારાઓ ભારતીય રક્ષણ હેઠળ છે. હવે મસૂદ દુબઈમાં હોવાના ખુલાસાથી આ તમામ આરોપો પાયાવિહોણા સાબિત થયા છે.