Last Updated on by Sampurna Samachar
શાળામાં ૧૩ વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ
પીડિત વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના મૈસુર જિલ્લાના જયલક્ષ્મીપુરમની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં રેગિંગનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ધોરણ ૮માં અભ્યાસ કરતા ૧૩ વર્ષના વિદ્યાર્થી સાથે ત્રણ સહપાઠીઓએ સ્કૂલ પરિસરમાં જ મારપીટ કરી હતી જેના કારણે તેના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ છે. પીડિત વિદ્યાર્થીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે.

મીડિયા અહેવાલ પ્રમાણે આરોપી વિદ્યાર્થીઓ પીડિત વિદ્યાર્થીને રોજ હેરાન કરતા હતા અને તેને પૈસા અને મોબાઈલ ફોન લાવવા માટે મજબૂર કરતા હતા. ૨૫ ઓક્ટોબરના રોજ ત્રણેય આરોપી વિદ્યાર્થીઓએ પીડિતને સ્કૂલના વોશરૂમમાં લઈ ગયા અને તેની સાથે મારપીટ કરીને તેના પ્રાઈવેટ પાર્ટને ગંભીર રીતે ઈજા પહોંચાડી.
સ્કૂલ વહીવટીતંત્રની ભૂમિકાની તપાસ થશે
શરૂઆતમાં પોલીસ પર કેસ ન નોંધવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, પરંતુ પીડિતના પરિવાર અને સંબંધીઓના દબાણ બાદ જયલક્ષ્મીપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૭(૨), અને ૧૨૫ હેઠળ તથા કિશોર ન્યાય અધિનિયમ ૨૦૧૫ની કલમ ૭૫ હેઠળ કેસ નોંધ્યો છે.
FIR માં સ્કૂલ મેનેજમેન્ટ ચીફ અને શિક્ષકને નામ આરોપી નંબર ૧ (છ૧) તરીકે છે, જ્યારે ત્રણ વિદ્યાર્થીઓને કિશોર J1, J2 અને J3 તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને સ્કૂલ વહીવટીતંત્રની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.