Last Updated on by Sampurna Samachar
ઝેલેન્સ્કી અને યુરોપના વડાઓની બેઠકમાં કરી વાતચીત
ચીન પર પણ આર્થિક દબાણ કરવુ પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બેઠક યુરોપમાં યોજાઈ હતી. આ બેઠકમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન નેતા સાથે વાત કરી કહ્યું કે, તેમણે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કરવુ પડશે. જો યુક્રેન યુદ્ધનો અંત લાવવો હોય તો રશિયા પાસેથી ક્રૂડની ખરીદી તાત્કાલિક ધોરણે બંધ કરવી પડશે. ચીન પર પણ આર્થિક દબાણ કરવુ પડશે.
એકબાજુ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદી દીધો છે. બીજી બાજુ ટ્રમ્પ યુરોપના દેશોને રશિયા પાસેથી ક્રૂડ ન ખરીદવાની સલાહ આપી રહ્યા છે, હવે સવાલ ઉઠે છે કે, શું તેઓ યુરોપિયન નેતાઓ પર પણ ટેરિફ લાદશે.
અમેરિકાની નીચલી કોર્ટે ટેરિફને ગેરલાયક ઠેરવ્યો
ઉલ્લેખનીય છે, ટ્રમ્પે આ સંદેશ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને યુરોપના વડાઓ સાથે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં આપ્યો હતો. આ બેઠક કોએલિશન ઓફ ધ વિલિંગ અર્થાત યુક્રેનમાં સુરક્ષા અને શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોમાં સક્રિય જૂથ દ્વારા યોજાઈ હતી.
આ બેઠક બાદ ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને એક મોટી જાહેરાત કરી કે જાે યુદ્ધવિરામ થાય, તો ૨૬ દેશો શાંતિ સંરક્ષણ દળમાં સૈનિકો મોકલવા માટે તૈયાર છે. યુદ્ધવિરામ કરારના બીજા જ દિવસે ૨૬ પશ્ચિમી સાથી દેશો યુક્રેનમાં ત્રણેય મોરચે – જમીન, સમુદ્ર અને આકાશ પર તેમના સૈનિકો તૈનાત કરશે.
જોકે, મેક્રોને સ્પષ્ટતા કરી હતી કે, યુરોપિયન સુરક્ષા ગેરંટી ત્યારે જ અસરકારક રહેશે જ્યારે અમેરિકા સેફ્ટી નેટ ની ભૂમિકા ભજવશે. આગામી દિવસોમાં, અમે યુક્રેનની સુરક્ષા ગેરંટી માટે અમેરિકન સહયોગને અંતિમ સ્વરૂપ આપીશું.
ટ્રમ્પ અલાસ્કામાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યાના લગભગ ત્રણ અઠવાડિયા પછી પણ શાંતિ મંત્રણામાં કોઈ નક્કર પરિણામ ન મળવાથી નારાજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ હવે વિચારી રહ્યા છે કે શું તેઓ પોતે સીધી મધ્યસ્થી કરી શકે છે અને ક્રેમલિન અને યુક્રેનિયન નેતાઓને મુલાકાત કરાવી શકે છે ? વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું હતું કે વર્ચ્યુઅલ બેઠક દરમિયાન ટ્રમ્પે આગ્રહ કર્યો હતો કે યુરોપ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે, કારણ કે માત્ર એક વર્ષમાં રશિયાએ ક્રૂડના વેચાણથી ૧.૧ અબજ યુરો કમાયા છે. યુરોપિયન દેશોએ પણ ચીન પર દબાણ લાવવું પડશે કારણ કે તે રશિયાના યુદ્ધને આર્થિક રીતે ટેકો આપી રહ્યું છે.
ટ્રમ્પે આ બેઠકમાં ભારતનું નામ લેતાં કહ્યું, મેં ભારત પર પહેલેથી જ કાર્યવાહી કરી છે. મેં ભારત દ્વારા રશિયન ક્રૂડ ખરીદવા બદલ ટેરિફમાં ૫૦% વધારો કર્યો છે, જેથી રશિયામાં આવતા ફંડને રોકી શકાય. તમને જણાવી દઈએ કે, ટ્રમ્પના આ ટેરિફ વલણની અમેરિકન કોર્ટ દ્વારા જ ટીકા કરવામાં આવી છે. અમેરિકાની નીચલી કોર્ટે ટેરિફને ગેરલાયક ઠેરવ્યો છે.
નીચલી કોર્ટ દ્વારા ટેરિફ નીતિ રદ કરવાના ચુકાદાને ટ્રમ્પ વહીવટીતંત્રે સુપ્રીમમાં પડકાર્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટનો સમક્ષ ટ્રમ્પ સરકારે ૨૫૧ પાનાની અપીલ કરી હતી. જેમાં દલીલ કરી હતી કે આ ડ્યુટી રશિયા-યુક્રેન યુદ્ધ સંબંધિત પહેલેથી જ જાહેર કરાયેલ રાષ્ટ્રીય કટોકટીનો ભાગ છે અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત પર ૨૫ ટકા રેસિપ્રોકલ ડ્યુટી લાદવામાં આવી છે અને રશિયન એનર્જી પ્રોડક્ટ્સની આયાત કરવા બદલ વધારાનો ૨૫ ટકા ટેરિફ લાદ્યો છે.