Last Updated on by Sampurna Samachar
બંને DJ વચ્ચે કોમ્પિટિશન શરૂ થતાં જ વાતાવરણ તંગ બન્યું
અભદ્ર ભાષા અને પથ્થરમારાનું દ્રશ્ય સર્જાયું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલા શાંત મીનાવાડા ગામે એક લગ્નપ્રસંગ ખુશી અને ઉત્સવના બદલે ભયાનક સંઘર્ષ અને અરાજકતામાં ફેરવાઈ ગયો હતો. સામાન્ય રીતે લગ્નમાં શરણાઈના સૂર હોય, પરંતુ અહીં અભદ્ર ભાષા અને પથ્થરમારાનું દ્રશ્ય સર્જાયું હતું.

‘વટ’ પાડવાની હોડમાં બોલાવવામાં આવેલા બે હાઈ-પ્રોફાઈલ ડીજે વચ્ચેની સોશિયલ મીડિયા વોર રસ્તા પરના રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી.? આ સાથે પોલીસે ડીજેના માલિકો, ઓપરેટરો અને પથ્થરમારો કરનારા સહિત કુલ ૨૧ શખ્સો સામે રાયોટિંગ અને સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
પોલીસે કુલ ૨૧ શખ્સો સામે ગુનો નોંધી જેલમાં ધકેલ્યા
આ સમગ્ર ઘટનાના મૂળમાં એક મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર શરૂ થયેલી દુશ્મનાવટ હતી. નામાંકિત ‘મહાલક્ષ્મી’ અને ‘જયમાડી’ ડીજે વચ્ચે સોશિયલ મીડિયા પર ખુલ્લી ચેલેન્જ અપાઈ હતી. વર્ચસ્વની આ લડાઈ લડવા માટે મીનાવાડાના એક લગ્નપ્રસંગને નિમિત્ત બનાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયાની આ ચેલેન્જ જોવા માટે આસપાસના વિસ્તારમાંથી આશરે દસ હજાર જેટલા લોકોનું તોફાની ટોળું ઉમટી પડ્યું હતું.
બંને ડીજે વચ્ચે કોમ્પિટિશન શરૂ થતાં જ વાતાવરણ તંગ બન્યું હતું. માઈક પર એકબીજા વિરુદ્ધ અભદ્ર અને ઉશ્કેરણીજનક શબ્દો બોલવામાં આવતા સુલેહ-શાંતિ જાેખમાઈ હતી. જાણ થતાં મહુધા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે ડીજે સંચાલકોને કાયદાનું ભાન કરાવી અવાજ ઓછો કરવા સમજાવ્યા હતા, પરંતુ સત્તાના નશામાં ચૂર ડીજે સંચાલકોએ પોલીસ સામે દાદાગીરી કરી વોલ્યુમ વધુ બમણું કરી દીધું હતું અને હાજર ભીડને પોલીસ વિરુદ્ધ ઉશ્કેરી હતી. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે કમલેશ ઝાલા, જશવંત ચૌહાણ અને વિશાલ ઝાલાની ધરપકડ કરી છે.
ઉશ્કેરાયેલા ટોળાએ કાયદાનો ડર રાખ્યા વિના ખાખી વર્દી પર હુમલો કર્યો હતો અને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
આ હિંસક ઘટનામાં ફરજ પરના એ.એસ.આઈ. બહેચરસિંહ ગંભીર રીતે લોહીલુહાણ થયા હતા. સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ પોલીસે સ્વબચાવમાં અને ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.?
મહુધા પોલીસે દાખલારૂપ કાર્યવાહી કરતા લાખો રૂપિયાની કિંમતની બંને હાઈ-પ્રોફાઈલ ડીજે સિસ્ટમ અને વાહનો જપ્ત કર્યા છે. પોલીસે ડીજેના માલિકો, ઓપરેટરો અને પથ્થરમારો કરનારા સહિત કુલ ૨૧ શખ્સો સામે રાયોટિંગ અને સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. લગ્નમાં ‘વટ’ પાડવા ગયેલા તત્વોને હવે કાયદાનો પાઠ ભણવો પડ્યો છે.