Last Updated on by Sampurna Samachar
દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરવાનો મામલો
ડ્યુટી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલાના મામલામાં પોલીસે એક ઓટો ડ્રાઇવરની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે રાજકોટથી એક ઓટો ચાલકની ધરપકડ કરી છે, જે આરોપી રાજેશનો મિત્ર છે. તેણે કથિત રીતે રાજેશને પૈસા ટ્રાન્સફર કર્યાં હતા.

આ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે દિલ્હી પોલીસે આરોપી રાજેશના એક મિત્રની રાજકોટથી અટકાયત કરી છે. તેણે કથિત રીતે રાજેશને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. દિલ્હી પોલીસ તે લોકો પર નજર રાખી રહી છે જે કોલ અને ચેટ દ્વારા આરોપીના સંપર્કમાં હતા. દિલ્હી પોલીસની એક ટીમ રાજકોટમાં ૫ અન્ય લોકોના નિવેદન નોંધશે, જેનો ડેટા આરોપીના મોબાઈલમાંથી લેવામાં આવ્યો છે. તો ધરપકડ કરાયેલા રાજેશે પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
સિવિલ લાયન્સ વિસ્તારમાં ચાકૂ ફેંકી દીધો હતો
રાજેશે જણાવ્યું કે તે રેખા ગુપ્તા પર ચાકૂથી હુમલો કરવા ઈચ્છતો હતો પરંતુ કડક સુરક્ષાને જોયા બાદ તેણે સિવિલ લાયન્સ વિસ્તારમાં ચાકૂ ફેંકી દીધો હતો. એટલું જ નહીં રાજેશે જણાવ્યું કે મુખ્યમંત્રીના સત્તાવાર આવાસ પર જતાં પહેલા તે સુપ્રીમ કોર્ટ ગયો હતો પરંતુ અદાલતની બહાર ભારે સુરક્ષા જોઈ પરત આવી ગયો હતો.
રાજેશે વહેલી સવારે મુખ્યમંત્રી પર હુમલો કર્યો જ્યારે તેઓ તેમના નિવાસસ્થાને લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા હતા. ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો અને પછી ૨૧ ઓગસ્ટના રોજ, તેમને ડ્યુટી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો, ત્યારબાદ તેમને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.