Last Updated on by Sampurna Samachar
નુકસાનીનો સર્વે કરવાના આદેશ અપાયા, રિપોર્ટ બાદ સરકાર ર્નિણય લેશે
ખેતીમાં થયેલા નુકસાનના આંકડા મેળવવા માટે ગ્રામસેવકો અને તલાટીઓને સર્વે કરવાના આદેશ અપાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. આ ગંભીર સ્થિતિ અંગે રાજ્યના કૃષિ મંત્રી રમેશ કટારાએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે સરકાર ખેડૂતોની પડખે છે અને નુકસાનીનો અંદાજ મેળવવા માટે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

પંચમહાલના મોરવા હડફ ખાતે એક કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાના કૃષિ મંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે ખેતીમાં થયેલા નુકસાનના આંકડા મેળવવા માટે ગ્રામસેવકો અને તલાટીઓને સર્વે કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. સર્વેનો સત્તાવાર રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યા બાદ, સહાય ચૂકવવા બાબતે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય અને ખેડૂતલક્ષી ર્નિણય લેવામાં આવશે.
દેવગઢ બારીયા તાલુકાના ૧૫થી વધુ ગામોને ફાયદો
માવઠાને કારણે જીરું, રાયડો અને ઘઉં જેવા રવી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. કૃષિ મંત્રીના આ આશ્વાસન બાદ હવે ખેડૂતો વહેલી તકે સર્વે પૂર્ણ થાય અને સરકાર દ્વારા યોગ્ય વળતરની જાહેરાત કરવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મંત્રી રમેશ કટારા, લોકસભા સાંસદ અને સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં મોરવા હડફ તાલુકાના મેરપ અને સાલિયા ગામ વચ્ચે પાનમ નદી પર નવનિર્મિત પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુલ બનવાથી ગોધરા તાલુકા અને દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ૧૫થી વધુ ગામોને ફાયદો થશે. હવે આ અંતરિયાળ ગામોને સીધું જ નેશનલ હાઈવે સાથે જોડાણ મળશે, જેનાથી વાહનવ્યવહાર અને ખેતપેદાશોની હેરફેરમાં સરળતા રહેશે.