Last Updated on by Sampurna Samachar
ઈરાન સામેનું યુદ્ધ ક્યારે પૂરું થશે તેનો ચોક્કસ સમય ના આપી શકાય
ઈરાની શાસનની સૈન્ય, પરમાણુ અને મિસાઈલ ક્ષમતાને નષ્ટ કરવી તે મધ્ય પૂર્વ અને ભારત બંનેના હિતમાં છે : ઈઝરાયલના રાજદૂત રુવેન અઝાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા અને ઈરાનનું યુદ્ધનો ક્યારે અંત આવશે તેની દુનિયાભરના દેશ રાહ જોઈ રહ્યા છે. અનેક દેશોમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો વત્તે-ઓછે અંશે ખોરવાઈ જવાની ભીતિ સર્જાઈ રહી છે. ત્યારે ૧૮ માર્ચના રોજ ભારત સ્થિત ઈઝરાયલના રાજદૂત રુવેન અઝારે જણાવ્યું છે કે ‘ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધના અંત માટે હાલમાં કોઈ સમયમર્યાદા આપવી અશક્ય છે.’

એક અનૌપચારિક મીડિયા બ્રીફિંગમાં તેમણે ચેતવણી આપી હતી કે ‘જ્યાં સુધી ઈરાનમાં આ ક્રૂર શાસકો સત્તામાં છે, ત્યાં સુધી મધ્ય પૂર્વમાં અનિશ્ચિતતા યથાવત્ રહેશે. ઈરાની શાસનની સૈન્ય, પરમાણુ અને મિસાઈલ ક્ષમતાને નષ્ટ કરવી તે મધ્ય પૂર્વ અને ભારત બંનેના હિતમાં છે.’
અમેરિકા આ માર્ગને સુરક્ષિત કરવામાં સફળ રહેશે
આ વિશે વધુ વિગત આપતા રાજદૂત અઝારે કહ્યું કે, ‘ઈરાન સામેની વર્તમાન સૈન્ય કાર્યવાહી હેઠળ અમે ઈરાની શાસનની સૈન્ય અને નેતૃત્વ, એ બંને ક્ષમતાને નબળી પાડી દીધી છે. જો કે, અપેક્ષા મુજબ, ઈરાન પોતાની શક્તિ બમણી કરી રહ્યું છે અને વળતો પ્રહાર કરી રહ્યું છે. યુદ્ધના અંત માટે ચોક્કસ સમય આપવો શક્ય નથી, પરંતુ ઈઝરાયલ અને અમેરિકા તેમના નિર્ધારિત લક્ષ્યો હાંસલ કરશે તે વાતમાં કોઈ જ શંકાને સ્થાન નથી.’
આખરે ઈરાન પર હુમલો કેમ કર્યો. તે પ્રકારના પ્રશ્નનો જવાબ આપતા રાજદૂત અઝારે દાવો કર્યો હતો કે, ‘ઈઝરાયલે ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો હતો કારણ કે, ઈઝરાયલને ‘વિશ્વસનીય ગુપ્ત માહિતી’ મળી હતી કે ઈરાની શાસન તેના પરમાણુ અને મિસાઈલ હથિયારો ફરીથી બનાવી રહ્યું છે. ગયા જૂનમાં સફળ હુમલા બાદ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અને મિસાઈલ ક્ષમતા નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી. જો કે, અમને જાણવા મળ્યું કે ઈરાન નવા પરમાણુ વિસ્ફોટકો મેળવવાની અણી પર હતું.’
અઝારે ભારપૂર્વક કહ્યું હતું કે, ‘અમને મળેલી ગુપ્ત માહિતી પ્રમાણે ઈરાને પરમાણુ શસ્ત્રો અને મિસાઈલો રાખવા માટે અનેક સ્થળે ખોદકામ શરૂ કર્યું હતું, જે અમેરિકા કે અન્ય દેશોના હુમલા સામે ટકી શકે તે રીતે તૈયાર કરાઈ હતી. પરમાણુ સજ્જ ઈરાન ઈઝરાયલના અસ્તિત્વ માટે ખતરો છે. તેથી ઈઝરાયલ માટે આ અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ છે.’
આ દરમિયાન તેમણે ઈરાનની સૈન્ય ક્ષમતાની વાત કરતા કહ્યું કે, ‘ઈઝરાયલ પર ઈરાનના હુમલામાં ૧૯ નાગરિકોના મોત થયા છે, અનેકને ઈજા થઈ છે. આમ છતાં, ઈરાનના વળતા પ્રહારનું પ્રમાણ ધારણા કરતા ઓછું હતું. અમે ઈરાન તરફથી મોટા પ્રતિસાદની અપેક્ષા રાખતા હતા. તે બાબતે અમે સકારાત્મક રીતે આશ્ચર્યચકિત છીએ.’
બીજી તરફ, આયતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુ સહિત ભારે નુકસાન સહન કરવા છતાં ઈરાન છેલ્લા ત્રણ સપ્તાહથી ઈઝરાયલ-અમેરિકા સામે ટકી રહ્યું છે. ઓછી ક્ષમતા સાથે કામ કરવા છતાં ઈરાન ડ્રોન અને મિસાઈલો વડે આરબ રાષ્ટ્રોમાં અમેરિકાના હિતોને નિશાન બનાવી રહ્યું છે. ક્રૂડ ઓઈલ અને ગેસની માળખાગત સુવિધાઓ પર પણ હુમલા કરી રહ્યું છે. હોર્મુઝની ખાડીમાંથી પણ ઓઈલ ટેન્કરોનો રસ્તો રોકી રહ્યું છે. આ રીતે તે વૈશ્વિક ઓઈલ પુરવઠામાં પણ વિક્ષેપ પાડી રહ્યું છે, જે સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે.
આ વિશે સવાલ કરતા રાજદૂત અઝારે કબૂલ્યું હતું કે હોર્મુઝ ખાડી વિસ્તારમાં ઈઝરાયલનું કોઈ નિયંત્રણ નથી. એશિયાના ઓઈલ અને ગેસ પુરવઠામાં તોડફોડના જોખમને પણ અમે સ્વીકારીએ છીએ. જો કે, અમને વિશ્વાસ છે કે અમેરિકા આ માર્ગને સુરક્ષિત કરવામાં સફળ રહેશે.
ઈઝરાયલના ભારત સ્થિત રાજદૂત રુવેન અઝારે ભારપૂર્વક જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડીમાં અસ્થિરતાને કારણે સર્જાયેલા ઊર્જા ક્ષમતાના પડકારોનો સામનો કરવા ઈઝરાયલ ભારતને સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છે. વૈકલ્પિક વેપાર માર્ગો શોધવાના ભારતના પ્રયાસોને અમે સમર્થન આપીએ છીએ. અમારું માનવું છે કે ઈરાનમાં ‘ઝડપી શાસન પરિવર્તન’ આખરે ભારતીય વેપાર અને ખાડી દેશોમાં રહેતા ૧૦ મિલિયન ભારતીય નાગરિકોની સુરક્ષા માટે ફાયદાકારક રહેશે.
ઈરાનમાં દેશવ્યાપી ઈન્ટરનેટ બંધ હોવા છતાં રાજદૂત અઝારે એક ગુપ્તચર અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે અહેવાલોના આધારે અઝારે દાવો કર્યો હતો કે, ‘ઈરાનના શાસન સામે વિરોધની લહેર વધી રહી છે. સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લારીજાનીના મૃત્યુના સમાચાર પછી ઈરાનના નાગરિકો ઉત્સવ મનાવી રહ્યા હતા. આ અહેવાલો ઈઝરાયલ સુધી પહોંચી ગયા છે.