Last Updated on by Sampurna Samachar
હરિયાળા અને સ્વચ્છ ગુજરાત તરફ રાજ્ય સરકારનું એક પગલું
EV ખરીદનારને માત્ર ૧% ટેક્સ ભરવાનો રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગ્રીન મોબિલિટી અને ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી ઈલેક્ટ્રિક વાહનો પર ૫% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. જેથી હવે EV ખરીદનારને માત્ર ૧% ટેક્સ ભરવાનો રહેશે.
નાગરિકો હવે વાહન ૪.૦ પોર્ટલ દ્વારા તેમના ઈલેક્ટ્રિક વાહનોની ઓનલાઇન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે. રાજ્યના પરિવહનમંત્રીનું કહેવું છે કે, આ નાગરિક-કેન્દ્રિત પહેલ હરિયાળા અને સ્વચ્છ ગુજરાત તરફ રાજ્ય સરકારનું એક પગલું છે. ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી. જેને હવે લાગુ કરવામાં આવી છે અને હવેથી તેનો અમલ શરૂ થઈ ગયો હોવાની વાત પરિવહન મંત્રીએ કરી છે.
સબસિડી બંધ કરતા EV વેચાણમાં થયો હતો ઘટાડો
મહત્વનું છે કે ઈલેક્ટ્રિક વાહનો અને ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહ આપવાની વાત કરનાર ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનો પરની સબસિડી ઘણા સમયથી બંધ કરી દીધી છે. અગાઉ ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા અને પ્રદૂષણને ઘટાડવા માટે ટુ વ્હીલર પર ૨૦ હજારની સબસિડી આપતી હતી, જ્યારે ૧૫ લાખથી ઓછી કિંમતના ફોર વ્હીલર પર ૧.૫૦ લાખ રૂપિયાની સબસિડી આવતી હતી. જેને બંધ કરી દેવામાં આવતાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. ત્યારે હાલ આપવામાં આવેલી માત્ર ૫ ટકા ટેક્સ છૂટથી ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધે છે કે નહીં તે જોવાનું રહેશે.
કોઈ વ્યક્તિ જો ૧૦ લાખની ઇલેક્ટ્રિક કાર ખરીદે તો તેના પર પહેલા છ ટકા ટેક્સ લાગતો હતો. એટલે કે ગ્રાહકે જે તે કાર પર ૬૦ હજાર રૂપિયા ટેક્સ ભરવાનો રહેતો હતો. પરંતુ હવે સરકારે ટેક્સમાં પાંચ ટકા છૂટ આપી છે. જેથી હવે ૧૦ લાખની ઇલેક્ટ્રિક કાર પર ગ્રાહકે ફક્ત એક ટકા લેખે ૧૦ હજાર રૂપિયા જ ટેક્સ ભરવો પડશે, જેથી કાર માલિકને ૫૦ હજાર રૂપિયાનો ફાયદો થશે.
હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપતી ગુજરાત સરકાર! ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકારે ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક વાહનો પર ૫% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આનાથી ટેક્સ દર ઘટીને માત્ર ૧% થઈ ગયો છે.
નાગરિકો હવે વાહન ૪.૦ પોર્ટલ દ્વારા તેમના ઈલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે. આ નાગરિક-કેન્દ્રિત પહેલ હરિયાળા અને સ્વચ્છ ગુજરાત તરફ રાજ્ય સરકારનું એક પગલું છે.
ઉલ્લેખનીય છે કે, સરકારે સબસિડી બંધ કરતાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ ૪૪% સુધી ઘટી ગયું છે. ગુજરાત સરકાર વાહનચાલકોને કારની ખરીદી પર પર ૨ લાખ સુધી-ટુવ્હીલર પર ૨૦ હજાર સુધી સબસિડી અપાતી હતી. પરંતું છેલ્લા બે વર્ષમાં સરકારે સબસીડી આપવાની જ બંધ કરી છે. જેથી ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં ઘટાડો આવી ગયો છે.
સરકારે પ્રદૂષણ ઓછું કરવા માટે સબસીડી આપવાની શરૂઆત કરી હતી, પરંતું હવે સબસીડી પર જ બ્રેક લાગી છે, તેથી લોકોએ ઈલેક્ટ્રિક વાહન ખરીદવાનું માંડી વાળ્યું છે. બીજી તરફ, વાહનો વેચનારાઓને મોટો ફટકો પડ્યો છે. જેને કારણે સરકારે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી વધે તે માટે નવી છૂટછાટ જાહેર કરી છે.