વડોદરા શહેરમાંથી રાજ્યનો સૌથી વધુ ૧.૪૭ કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યની સ્થાનિક પોલીસની મિલીભગત, આંખ મીચાણણા કે જાણ બહાર ચાલતા દારૂના અડ્ડા અને મોટા પ્રમાણમાં થતી હેરફેર મુદ્દે દરોડા પાડવામં આવે છે, અને કેસ નોંધવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં દારૂ અને જુગારના નોંધપાત્ર કેસ નોંધવામાં આવ્યા છે.
ચોંકાવનારી વાત તો એ છે કે વડોદરા શહેરમાંથી સૌથી વધુ ૧.૪૭ કરોડ રૂપિયાનો રાજ્યનો સૌથી વધુ દારૂ જપ્ત કરાયો હતો. જેને લઈને વડોદરા પોલીસ દારૂ પકડવામાં નિષ્ક્રિય રહેતી હોય કે પછી તેની અનદેખી કરતી હોય તેવું ફલિત થાય છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં ૬૧ લાખ અને અમદાવાદ ગ્રામ્યમાં ૯૦ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો.
રાજ્યના વિવિધ રેંજની વાત કરીએ સુરત રેંજમાં સૌથી વધારે ૩.૯૨ કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરાયો હતો. આ સાથે વર્ષ દરમિયાન ૨૨.૫૨ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ સમગ્ર રાજ્યમાંથી જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.સ્ટેટ મોનિટરિંગ સેલ ડીજીપી ઓફિસના સીધા માર્ગદર્શન હેઠળ કામગીરી કરતી હોવાથી રાજ્યમાં આવેલા તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોના અધિકારીઓને એસએમસીના દરોડાથી સસ્પેન્ડ થવાનો ડર સતત રહેતો હોય છે.
વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓ, શહેરોમાં કરવામાં આવેલી પ્રોહિબીશનની કામગીરીના ચોંકાવનારા આકડા સામે આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યમાં વિવિધ પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન SMC એ ૪૫૫ કેસ પૈકી ૩૪૭ જેટલા ક્વોલીટી કેસ નોંધીને ૨૨.૫૨ કરોડ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સહિત કુલ ૫૨ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે પોલીસ કમિશનરેટની હદમાં દરોડાની વાત કરીએ તો અમદાવાદમાં ૬૧ લાખ, વડોદરામાં ૧.૪૭ કરોડ, સુરતમાં ૫૧ લાખ અને રાજકોટ શહેરમાં માત્ર ૪૮ હજાર રૂપિયાનો જ દારૂ જપ્ત કરાયો હતો. જ્યારે વિવિધ રેંજ પૈકી સુરત રેંજમાં સૌથી વધારે ૩.૯૨ કરોડ રૂપિયાનો દારૂ, અમદાવાદ રેંજમાં ૧.૪૫ કરોડ રૂપિયાનો દારૂ, ગાંધીનગર રેંજમાં ૨.૮૮ કરોડ રૂપિયાનો દારૂ, વડોદરા રેંજમાં ૨.૪૬ કરોડ રૂપિયાનો દારૂ, ગોંધરા રેંજમાં ૧.૯૩ કરોડ રૂપિયાનો દારૂ, રાજકોટ રેંજમાં ૩.૬૪ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ, બોર્ડર રેંજમાં ૨.૫ કરોડ રૂપિયાનો અને ભાવનગર રેંજમાં ૧.૩૫ કરોડ રૂપિયાનો દારૂ દરોડાની કામગીરી દરમિયાન જપ્ત કરાયો હતો. સૌથી ઓછો રૂપિયા ૧૨.૫૯ લાખનો દારૂ જૂનાગઢ રેંજ અને રેલવે પોલીસની હદમાંથી ૬.૭૧ લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વર્ષ ૨૦૨૪ દરમિયાન પ્રોહીબીશન, સટ્ટા બેટિંગ સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ૯૨ જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી ૭૬ આરોપીઓ અને અન્ય રાજ્યોમાંથી ૧૬ વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાયા હતા. SMC ના DIG નિર્લિપ્ત રાય અને DYSP કે ટી કામરિયાએ ગાંધીનગરથી સમગ્ર રાજ્યમાં બાતમીદારોના નેટવર્કને આધારે પ્રોહિબીશનની કામગીરીને કારણે અનેક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ થવાથી માંડીને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.