Last Updated on by Sampurna Samachar
મારા કોઈ ર્નિણયથી મને પસ્તાવો થઈ રહ્યો નથી , રોહિતે કહ્યું
રોહિત શર્મા હમણાં પત્ની રિતિકા સાથે એક શોમાં હાજર રહ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટર રોહિત શર્માએ ૭ મે ૨૦૨૫ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો. રોહિત T૨૦ ઈન્ટરનેશનલ પહેલા જ અલવિદા કહી ચૂક્યા છે. તેઓ ભારતીય ટીમ માટે હવે માત્ર વનડે ક્રિકેટ માટે જ રમશે. રોહિત શર્માએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધા પછી શુભમન ગિલને સૌથી મોટા ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સોપવામાં આવી છે. શુભમન ઇંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ દ્વારા ટેસ્ટ કેપ્ટનશીપમાં ડેબ્યૂ કર્યું છે.
રોહિત શર્મા અને તેની વાઈફ રીતિકા સજદેહે હાલમાં જ યૂટ્યુબ શો હું ઈઝ ધ બેસ્ટમાં ભાગ લીધો હતો. આ શોના હોસ્ટ હરભજન સિંહ અને તેમની પત્ની ગીતા બસરા છે. આ શોમાં રોહિત શર્માએ તેના દિલની વાત કરી હતી. રોહિત શર્માએ કહ્યું કે, મને કોઈ વાતનો અફસોસ નથી તેમજ મારા કોઈ ર્નિણયથી મને પસ્તાવો થઈ રહ્યો. પછી ભલે મારા સંન્યાસની વાત કેમ ન હોય, જેટલું ભાગ્યમાં લખ્યું હતું તેટલું મળવાનું જ હતું.
ભગવાને મને આપ્યું છે, તેના માટે હું તેમનો આભારી છું
રોહિત શર્માએ વધુમાં કહ્યું કે, મને બે થી ત્રણ ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, જીવનમાં તમને કઈ વાતનો અફસોસ છે. તો મે કહ્યું કે, કોઈ વાતનો અફસોસ નથી. જો હું મારા જીવનના ૨૫ વર્ષ પાછળ જોવું તો, હું જોઈ શકું છું કે મારુ જીવન કેવું હતું. એ સમયે હું એવું વિચારી પણ નહોતો શકતો હતો કે, આટલી ઉપલબ્ધીઓ અને આટલી ઓળખ સાથે આજે અહીં બેઠો હોઈશ.
રોહિત શર્માએ વધુમાં આગળ કહ્યું કે, ભગવાને જે પણ કાંઈ આપ્યું છે, હું તેમાં ખુશ છું. મને ખબર છે… હજુ પણ લોકો પુછશે કે તમે આ મેળવી શકતા હતા. તમે આ કેમ ન કર્યું, પેલુ કેમ ન કર્યું. જેટલું લખ્યુ છે, તેટલું જ મળવાનું છે. તો આ મારા માટે લખ્યું હતું અને એટલું ભગવાને મને આપ્યું છે, તેના માટે હું તેમનો આભારી છું.