Last Updated on by Sampurna Samachar
અફરા-તફરીમાં ઓછામાં ઓછા ૧૦ થી ૧૨ લોકો ઘાયલ
સીડીઓ પર ચડવા-ઉતરવા લાગ્યા અને અચાનક ભાગદોડ મચી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશન પર રવિવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. સ્ટેશન પર થયેલી ભાગદોડમાં લગભગ એક ડઝન લોકો ઘાયલ થયા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભાગદોડ ઘટના તે સમયે બની જ્યારે પ્લેટફોર્મ ૪, ૬ અને ૭ પર લગભગ એક સાથે ત્રણ ટ્રેનો આવી રહી હતી.
ટ્રેન પકડવાની ઉતાવળમાં મુસાફરો પ્લેટફોર્મ ૪ અને ૬ ને જોડતા ફૂટ ઓવરબ્રિજની સીડીઓ પર ચડવા-ઉતરવા લાગ્યા અને અચાનક ભાગદોડ મચી ગઈ હતી. માહિતી મળતાની જ સાથે રેલવે બચાવ અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા.
રેલવે અધિકારીઓએ આ ઘટના માટે માફી માંગી
અધિકારીઓએ જણાવ્યું કે, આ અફરા-તફરીમાં ઓછામાં ઓછા ૧૦ થી ૧૨ લોકો ઘાયલ થયા છે. અચાનક થયેલા હંગામા દરમિયાન ભીડમાંથી બચવાનો પ્રયાસ કરતા ઘણા મુસાફરો પડી ગયા અને અન્ય લોકોએ તેમને કચડી નાખ્યા. ઘટના પછી સ્ટેશન પર અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો. પુરુષો અને સ્ત્રીઓ બન્ને સહિત તમામ ઘાયલોને બર્ધમાન મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ડોકટરોની એક ટીમ તેમની સારવાર પર નજર રાખી રહી છે.
રેલવે અધિકારીઓએ આ ઘટના માટે માફી માંગી છે અને ખાતરી આપી છે કે, ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે તેઓ જરૂરી પગલાં લેશે. અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી અને ભીડ વ્યવસ્થાપનમાં કોઈપણ ખામીઓ ઓળખવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.