Last Updated on by Sampurna Samachar
પુડુચેરીના મુખ્યમંત્રીએ વિદેશમંત્રીને પત્ર લખી પગલાં લેવા કરી માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
શ્રીલંકાની નૌસેનાએ ડેલ્ફ્ટ દ્વિપ નજીક ભારતીય માછીમારો પર ગોળીબાર કરતાં પાંચ ઘવાયા છે. જેમાં બે ગંભીરરૂપે ઈજાગ્રસ્ત છે. ભારતીય વિદેશ બાબતોના મંત્રાલયે શ્રીલંકાની નૌસેનાની આ કાર્યવાહીની આકરી નિંદા કરી છે. કોલંબોમાં પણ ભારતના હાઈકમિશને શ્રીલંકાના વિદેશ બાબતોના મંત્રાલય સાથે આ મુદ્દે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ડેલ્ફટ દ્વિપ પર શ્રીલંકાની નૌસેનાએ ૧૩ માછીમારોની ધરપકડ કરવાના હેતુ સાથે ગોળીબાર કર્યો હતો. જેમાં તમિલનાડુના બે માછીમારોને ગંભીર ઈજા થઈ હતી. તેઓ હાલ જાફના ટિચિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે અન્ય ત્રણ માછીમારોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ સિવાય અન્ય તમામ માછીમારોની શ્રીલંકન સૈનાએ અટકાયત કરી હતી.
ભારતના વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીની આકરી ટીકા કરતાં નવી દિલ્હી ખાતે શ્રીલંકાના એક્ટિંગ હાઈ કમિશનરને આ મામલે પૂછપરછ કરવા બોલાવ્યા હતાં. વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યું હતું કે, ‘અમે આ મામલે આકરી ટીકા કરીએ છીએ. આ બાબતો ચલાવી લેવામાં આવશે નહીં. અમે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ જાફના હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત માછીમારોની ઈન્ડિયન કોન્સ્યુલેટે મુલાકાત લીધી હતી. તેમને જરૂરી સારવાર અને વળતર આપવાની પણ માંગ કરી છે.’
ભારતીય માછીમારો ડેલ્ફ્ટ દ્વિપ નજીક આવેલી આંતરરાષ્ટ્રીય જળસીમા ક્રોસ કરી રહ્યા હોવાના આરોપસર શ્રીલંકાની નૌસેનાએ આ કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. આ ગોળીબારમાં ૨ માછીમારોને જીવલેણ ઈજાઓ થઈ હોવાથી ભારતીય વિદેશ મંત્રાલયે દખલગીરી કરી છે.
પુડુચેરીના મુખ્યમંત્રીએ વિદેશ બાબતોના કેન્દ્રીય મંત્રી એસ. જયશંકરને પત્ર લખી આ મામલે યોગ્ય પગલાં લેવાની માંગ કરી હતી. તેમણે શ્રીલંકાની સરકારને ધરપકડ કરવામાં આવેલા માછીમારોને મુક્ત કરવાની માગ પણ કરી હતી.