Last Updated on by Sampurna Samachar
શનાકાના આ જૂઠને લઈને શ્રીલંકા બોર્ડ તપાસ હાથ ધરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
શ્રીલંકાના ઓલરાઉન્ડર દાસુન શનાકાએ દુબઈમાં T૨૦ ટુર્નામેન્ટમાં રમવા માટે રજૂ કરેલા બહાનાની પોલ છતી થઈ જતા શ્રીલંકા ક્રિકેટ બોર્ડએ તેની સામે તપાસનો આદેશ આપ્યો છે. શ્રીલંકાનો પૂર્વ સુકાની શનાકાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં સિંહાલીસ સ્પોટ્ર્સ ક્લબ તરફથી રમતા મૂર્સ સ્પોટ્ર્સ ક્લબ સામેની ત્રણ દિવસીય મેચને અધુરી છોડી હતી અને તે દુબઈ કેપિટલ્સ તરફથી આઈએલટી૨૦માં રમવા પહોંચી ગયો હતો.
ડોમેસ્ટિકમાં નહીં રમવા માટે શનાકે કંકશનનું બહાનું રજૂ કર્યું હતું. ખોટું કારણ આપીને એક જ દિવસમાં બે જુદા જુદા સ્થળ મેચ રમવાની ઘટનાને શ્રીલંકા ક્રિકેટે ગંભીર નોંધ લીધી છે અને શનાકા વિરુદ્ધ તપાસ આદરી છે. સિંહાલીસ સ્પોટ્ર્સ ક્લબ તરફથી ત્રણ દિવસીય મેચમાં શનાકા બે દિવસ રમ્યો હતો.
મૂર્સ વિરુદ્ધની મેચમાં પ્રથમ દાવમાં ૩૩ વર્ષીય શનાકાએ ૨૧ ઓવર બોલિંગ કરી હતી તથા બીજા દિવસના અંતે ૩૩ રને અણનમ હતો. ત્રીજા દિવસે તેણે ૮૭ બોલમાં ૧૨૩ રન ફટકાર્યા હતા. ત્યારબાદ મૂર્સના બીજા દાવમાં મીડિયમ પેસર બોલરે બોલિંગ કરી નહતી અને તે બાકીના દિવસ માટે ઉપલબ્ધ નહતો.
શનાકાને કંકશન થયું હોવાનું મેચ રેફરી વેન્ડેલ લેબરોયને જણાવીને તેની ટીમે સબ્સ્ટિટ્યૂટની મંજૂરી લીધી હતી. શનાકા બાદમાં થોડા જ કલાકોમાં આઈએલટી૨૦માં દુબઈ કેપિટલ્સ તરફથી રમ્યો હતો અને તેણે ૧૨ બોલમાં ૩૪ રનની ઈનિંગ્સ રમી હતી. શનાકાના આ દેખાવને ક્રિકેટ પ્રત્યે પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવાયું હતું. શનાકાના આ જૂઠને લઈને શ્રીલંકા બોર્ડ તપાસ હાથ ધરશે. બોર્ડના સીઈઓ એશ્લી ડી સિલ્વાએ જણાવ્યું કે, શનાકાની ફર્સ્ટ ક્લાસ ક્લબ પણ અલગથી આ મામલે તપાસ કરશે.