Last Updated on by Sampurna Samachar
ઐતિહાસિક મેચમાં કેપ્ટન દાસુન શનાકાએ વિસ્ફોટક બેટિંગ કર્યું
માત્ર ૧૯ બોલમાં અડધી સદી ફટકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં શ્રીલંકાની ટીમે શાનદાર પ્રદર્શન જાળવી રાખી ઓમાનને ૧૦૫ રનથી હરાવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ૧૯ વર્ષ બાદ એવો રેકોર્ડ નોંધાયો છે, જેમાં શ્રીલંકાએ સૌથી મોટા માર્જીન રનથી જીત મેળવી છે. આ ઐતિહાસિક મેચમાં કેપ્ટન દાસુન શનાકાએ વિસ્ફોટક બેટિંગ કરીને રોહિત શર્માના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે, સાથે જ શનાકાએ વર્લ્ડ કપમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

પાલ્લેકેલે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઓમાને ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ આપી હતી. શ્રીલંકાની શરૂઆત નબળી રહી હતી અને ટીમે ૪૨ રનમાં જ કામિલ મિશારા અને પાથુમ નિસાંકાની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, ત્યારબાદ કુસલ મેન્ડિસ અને પવન રત્નાયકેએ બાજી સંભાળી હતી અને ત્રીજી વિકેટ માટે ૯૪ રનની ભાગીદારી નોંધાવી હતી. કુસલ મેન્ડિસે ૪૫ બોલમાં ૬૧ રન અને પવન રત્નાયકેએ ૨૮ બોલમાં ૬૦ રનની આક્રમક ઈનિંગ રમી હતી.
આ વર્લ્ડ કપનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર
ત્યારબાદ મેદાન પર આવેલા કેપ્ટન દાસુન શનાકાએ તોફાની બેટિંગ કરતા માત્ર ૧૯ બોલમાં પાંચ સિક્સ અને બે ફોર સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે મેન્ડિસ સાથે ચોથી વિકેટ માટે ૬૩ રનની ભાગીદારી કરી હતી. શનાકાની આ ઈનિંગના દમ પર શ્રીલંકાએ ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૨૫ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જે આ વર્લ્ડ કપનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.
૨૨૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓમાનની ટીમ શ્રીલંકાના બોલરો સામે લાચાર દેખાઈ હતી. ઓમાનની ટીમે પાવરપ્લેની પ્રથમ ૬ ઓવરમાં જ ૩ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ તરફથી એકમાત્ર મોહમ્મદ નદીમે ૫૩ રન બનાવીને સંઘર્ષ કર્યો હતો અને આખી ટીમ ૧૨૦ રન પર સમેટાઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી દુષ્મંતા ચમીરા અને મહીશ તીક્ષણાએ ૨-૨ વિકેટ ઝડપી હતી, જ્યારે વેલાલાગે, હેમંથા અને કામિન્ડુ મેન્ડિસને ૧-૧ સફળતા મળી હતી.
કેપ્ટન શનાકાએ માત્ર ૧૯ બોલમાં અડધી સદી ફટકારીને રોહિત શર્માના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. રોહિત શર્માએ ૨૦૨૪ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ૧૯ બોલમાં અડધી સદી ફટકારી હતી, જે ટી૨૦ વર્લ્ડ કપમાં કોઈ પણ કેપ્ટન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી અડધી સદી છે. આ ઉપરાંત, શનાકા હવે શ્રીલંકા માટે ટી૨૦ વર્લ્ડ કપમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
શ્રીલંકાએ ટી૨૦ વર્લ્ડ કપના ઈતિહાસમાં બીજી વખત ૧૦૦થી વધુ રનના અંતરથી મેચ જીતી છે. આ અગાઉ ૨૦૦૭માં કેન્યા સામે શ્રીલંકાએ ૧૭૨ રને જીત મેળવી હતી. નોંધનીય છે કે ભારત અત્યાર સુધી ટી૨૦ વર્લ્ડ કપમાં ક્યારેય ૧૦૦ કે તેથી વધુ રનના અંતરથી જીત્યું નથી.
શ્રીલંકાએ બનાવેલો ૨૨૫ રનનો સ્કોર ટી૨૦ વર્લ્ડ કપના ઈતિહાસનો ચોથો સૌથી મોટો સ્કોર છે. આ સાથે જ આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ કેનેડા સામે બનાવેલા ૨૧૩ રનના રેકોર્ડને તોડીને શ્રીલંકાએ આ વર્ષનો સર્વોચ્ચ સ્કોર પોતાના નામે કર્યો છે. ટી૨૦ વર્લ્ડ કપમાં સૌથી વધુ ૨૬૦ રન બનાવવાનો રેકોર્ડ પણ શ્રીલંકાના નામે જ છે.