Last Updated on by Sampurna Samachar
શ્રીલંકા ક્રિકેટએ ખેલાડીઓની માંગ સ્વીકારી
ઇસ્લામાબાદ વિસ્ફોટ બાદ શ્રીલંકન ટીમમાં ગભરાટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ત્રણ મેચની ODI શ્રેણી રમવા માટે પાકિસ્તાનના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ટીમ સુરક્ષા ચિંતાઓને કારણે સ્વદેશ પરત ફરવા માંગે તેમ માહિતી મળી છે. ઇસ્લામાબાદમાં થયેલા ઘાતક આત્મઘાતી હુમલાથી ખેલાડીઓ ગભરાઈ ગયા છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીએ દાવો કર્યો છે કે શ્રેણી ચાલુ રહેશે, જેમાં શેડ્યૂલમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.

બંને ટીમો વચ્ચે રાવલપિંડીમાં યોજાનારી બીજી ODI મેચ શુક્રવાર સુધી મુલતવી રાખવામાં આવી છે, જ્યારે ત્રીજી મેચ હવે ૧૫ નવેમ્બરને બદલે ૧૬ નવેમ્બરે તે જ સ્થળે રમાશે. શ્રીલંકાએ શ્રેણી માટે ૧૬ સભ્યોની ટીમ મોકલી હતી, તેમાંથી આઠ લોકો સ્વદેશ પાછા ફરવા માંગતા હોવાની માહિતી સામે આવી છે. શ્રીલંકા ક્રિકેટએ ખેલાડીઓની માંગ સ્વીકારી છે, પરંતુ તેમને અને ટીમના સપોર્ટ સ્ટાફને પ્રવાસ ચાલુ રાખવાની સૂચના પણ આપી છે.
શ્રીલંકા ક્રિકેટ તરત જ એક રિપ્લેસમેન્ટ ખેલાડી મોકલશે
એક નિવેદનમાં PCB એ જણાવ્યું હતું કે, “ટીમ મેનેજમેન્ટે અમને જાણ કરી હતી કે પાકિસ્તાનના પ્રવાસે રહેલી રાષ્ટ્રીય ટીમના ઘણા ખેલાડીઓએ સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને સ્વદેશ પાછા ફરવાની વિનંતી કરી છે. આ પછી PCB એ તાત્કાલિક ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને ખાતરી આપી કે SLC અને સંબંધિત સુરક્ષા એજન્સીઓ સાથે મળીને તેમની બધી ચિંતાઓ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે જેથી સમગ્ર ટીમની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.”
PCB ના વડા મોહસીન નકવીએ X પર લખ્યું: “શ્રીલંકાની ટીમના પાકિસ્તાન પ્રવાસ ચાલુ રાખવાના ર્નિણય બદલ આભાર.” પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની ODI મેચ હવે ૧૪ અને ૧૬ નવેમ્બરના રોજ રાવલપિંડીમાં રમાશે.
SLC એ જણાવ્યું છે કે જે ખેલાડીઓ ખરેખર પાછા ફરવા માંગે છે તેમના માટે તાત્કાલિક રિપ્લેસમેન્ટ મોકલવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ” જો કોઈ ખેલાડી અથવા સપોર્ટ સ્ટાફ સભ્ય SLC ના નિર્દેશો છતાં ઘરે પાછા ફરવાનો ર્નિણય લે છે, તો શ્રીલંકા ક્રિકેટ તરત જ એક રિપ્લેસમેન્ટ ખેલાડી મોકલશે જેથી શ્રેણી વિક્ષેપિત ન થાય. જો કોઈ ખેલાડી અથવા સપોર્ટ સ્ટાફ સભ્ય આ સૂચનાનું ઉલ્લંઘન કરે છે, તો તેમના વર્તનની ઔપચારિક સમીક્ષા કરવામાં આવશે અને સમીક્ષા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.”