Last Updated on by Sampurna Samachar
ભાજપ સાંસદના દિલ્હી નિવાસની નેમપ્લેટમાં એડ્રેસ બદલાયુ
પોસ્ટ બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઔરંગઝેબ પરનો રાજકીય ધમસાણ હજુ ઠંડો પડ્યો નથી ને ત્યારે રસ્તાઓના નામ બદલવાના કારણે રાજકારણ ફરી ગરમાયું હતું. ભાજપના રાજ્યસભા સાંસદ અને ઉત્તરપ્રદેશના પૂર્વ ઉપમુખ્યમંત્રી ડૉ. દિનેશ શર્મા અને સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જરે તુઘલક લેન પર સ્થિત તેમના નિવાસસ્થાનની નેમપ્લેટમાં સ્વામી વિવેકાનંદ માર્ગ લખી નાખ્યું છે. જોકે હજુ સુધી આ રોડનું નામ સત્તાવાર રીતે બદલવામાં આવ્યું નથી.
સાંસદ દિનેશ શર્મા, તેમના નવા નિવાસસ્થાનમાં તેમના ઘરમાં પ્રવેશનો ફોટો શેર કર્યા હતા. જેમાં તેમના નિવાસસ્થાનની બહારની નેમ પ્લેટ પર મોટા અક્ષરોમાં સ્વામી વિવેકાનંદ માર્ગ લખેલું જોવા મળે છે. તેમજ નીચે તુઘલક લેન ખૂબ જ નાના અક્ષરોમાં લખાયેલું છે. તેમની આ પોસ્ટ બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.
તુઘલક લેનનું નામ પણ બદલી શકાય
અનેક ઐતિહાસિક સ્થળોના નામ બદલવામાં આવ્યા છે. જો દિલ્હીની વાત કરીએ તો અહીં પણ ઘણી મોટી જગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક બ્રિટિશ શાસન સાથે સંબંધિત છે જ્યારે કેટલાક મુઘલ સમયગાળા સાથે સંબંધિત છે. એવામાં હવે તુઘલક લેનનું નામ પણ બદલી શકાય છે, કારણ કે ભાજપના કેટલાક સાંસદોએ પોતાના સરનામાં પર તુઘલક લેનને બદલે વિવેકાનંદ માર્ગ લખ્યો છે.
સૌપ્રથમ તો સરકારે ૭ રેસ કોર્સનું નામ બદલીને લોક કલ્યાણ માર્ગ કરી દઈશું હતું, દલીલ એવી હતી કે ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવવી જરૂરી છે. આ પછી કેન્દ્રએ વધુ એક મોટો ર્નિણય લીધો અને રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરી દીધું હતું.
વર્ષ ૨૦૨૩માં રાષ્ટ્રપતિ ભવનમાં હાજર મુઘલ ગાર્ડનનું નામ પણ બદલીને અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા ડેલહાઉસી રોડનું નામ બદલીને દારા શિકોહ માર્ગ કરવામાં આવ્યું હતું. તેમજ સરકારે થોડા સમય પહેલા પ્રખ્યાત ઔરંગઝેબ રોડનું પણ નામ બદલીને અબ્દુલ કલામ રોડ કર્યું હતું. આ પછી પણ દિલ્હીમાં નામ બદલવાની પ્રક્રિયા અટકી નથી.