Last Updated on by Sampurna Samachar
પટના એરપોર્ટ પર ખાસ મુલાકાતની તસવીરો વાયરલ
વડાપ્રધાન મોદીએ વૈભવ અને પરિવારને આપ્યું પ્રોત્સાહન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના સૌથી યુવાન ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. અહેવાલ અનુસાર વડાપ્રધાનની બિહાર મુલાકાત દરમિયાન પટણા વિમાન મથકે વૈભવનો પરિવાર વડાપ્રધાન મોદીને મળ્યો હતો.
આ મુલાકાત અંગે વડાપ્રધાન મોદીએ પણ તેમના X હેન્ડલ દ્વારા માહિતી શૅર કરી છે. આઈપીએલની ૧૮મી સિઝનમાં બેટથી ધૂમ મચાવનાર બિહારના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
વડાપ્રધાને યુવા બેટ્સમેન સાથેની તસવીરો શેર કરી
વડાપ્રધાન મોદીએ પણ યુવા ખેલાડી સાથેની આ મુલાકાતની કેટલીક તસવીરો પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તેઓ યુવા ખેલાડીનો હાથ પકડીને દેખાઈ રહ્યા છે. આ દરમિયાન તેમણે વૈભવને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ આપી હતી.
એક્સ પર યુવા બેટ્સમેન સાથેની તસવીરો શેર કરતાં વડાપ્રધાન મોદીએ કેપ્શનમાં લખ્યું છે, “પટના એરપોર્ટ પર યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અને તેના પરિવાર સાથે મુલાકાત થઈ. તેની ક્રિકેટ કૌશલ્યની આખા દેશમાં પ્રશંસા થઈ રહી છે! તેના ભવિષ્યના પ્રયાસો માટે મારી તરફથી શુભકામનાઓ.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વૈભવની આ મુલાકાત દરમિયાન તેના પિતા સંજીવ સૂર્યવંશી પણ ઉપસ્થિત હતા. એ વાત સૌ જાણે છે કે, વૈભવ આજે જે કંઈ છે તેની પાછળ તેના પિતાની સખત મહેનત તથા પ્રયાસોનો મોટો ફાળો છે. વૈભવે પોતે જાહેરમાં ઘણીવાર આ વાતનો ઉલ્લેખ કરેલો છે. પીએમ મોદી વિકાસ કામોના લોકાર્પણ તથા શિલાન્યાસ માટે બિહાર પહોંચ્યા હતા. તે સમયે પટણાના જયપ્રકાશ નારાયણ વિમાન મથકે આ મુલાકાત યોજાઈ હતી.