Last Updated on by Sampurna Samachar
મંત્રીમંડળનું વિસ્તરણ કરવા પણ વાટાઘાટો કરી
મોદી અને યોગી વચ્ચે એક કલાક સુધી યોજાઈ બેઠક
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હી ખાતે મુલાકાત કરી હતી. બંને દિગ્ગજો વચ્ચે એક કલાક સુધી વિવિધ મુદ્દાઓ પર મનોમંથન થયું હતું. વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી યોગીએ ઉત્તર પ્રદેશના ભાજપ પ્રદેશ પ્રમુખ મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવા પણ વાટાઘાટો કરી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિલ્હીમાં ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ બંને નેતાઓ વચ્ચે પણ ભાજપના પ્રદેશ પ્રમુખ અને યુપીના મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે ચર્ચાઓ થઈ હતી. યોગી સરકારના મહાકુંભના સફળ આયોજન મુદ્દે પણ વાતચીત થઈ હતી.
ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી કરવાની કવાયત
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જેપી નડ્ડાને મહાકુંભની કોફી ટેબલ બુક ભેટ કરી હતી. આ અંગે ઝ્રસ્ યોગીએ સોશિયલ મીડિયા X પર માહિતી આપી હતી કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાજીને નવી દિલ્હીમાં શિષ્ટાચાર ભેટ આપી. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ હાર્દિક આભાર.
CM યોગી આદિત્યનાથની દિલ્હીમાં હાઈ કમાન્ડ સાથે મુલાકાત અત્યંત મહત્ત્વની ગણાઈ રહી છે. કારણકે, યુપી સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. ભાજપે ગુજરાતમાં પણ હાલમાં જ જિલ્લા પ્રમુખમાં ફેરફાર કર્યા હતા. યુપીમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી કરવાની કવાયત ઝડપી બની છે.
મંડળ પ્રમુખની ચૂંટણી થઈ ચૂકી છે. હવે જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવાની બાકી છે. ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણીમાં જીત બાદ યોગી સરકાર પોતાના મંત્રીમંડળમાં વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે. CM યોગી ચૂંટણી માટે પોતાની મરજી મુજબ ટીમ તૈયાર કરશે. જેના માટે અમુક નેતાને સરકારમાંથી સંગઠનમાં તો અમુક નેતાઓને સંગઠનમાંથી સરકારમાં મોકલી શકે છે.
મીડિયા સૂત્રો અનુસાર, યોગી સરકાર ઘણા મંત્રીઓના કામકાજથી સંતુષ્ટ નથી. નવા મંત્રીમંડળમાં પરિણામ ન આપનારા મંત્રીઓને દૂર કરી શકે છે અને અમુક મંત્રીઓના વિભાગોમાં ફેરફાર થવાની સંભાવના છે. આ સિવાય અમુક ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરી શકે છે. તેમજ આગામી ચૂંટણી માટે અમુક મંત્રીઓને સંગઠનની જવાબદારી સોંપી શકે છે.