Last Updated on by Sampurna Samachar
હું લગભગ ૩૧ મહિના પછી CM યોગીને મળ્યો છું
પુત્ર કરણ ભૂષણને ટિકિટ મળી ને ચૂંટણી જીતી ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચેના સંબંધો સારા રહ્યા નથી. પરંતુ બ્રિજભૂષણ શરણ સિંહ અચાનક લખનઉમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા અને લગભગ અડધો કલાક CM યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી હતી. હવે ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે પ્રતિક્રિયા આપી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા બ્રિજભૂષણ શરણ સિંહે જણાવ્યું હતું કે, ‘જીવનમાં ઉતાર-ચઢાવ આવતા હોય છે. હું લગભગ ૩૧ મહિના પછી CM યોગીને મળ્યો છું. જાન્યુઆરી ૨૦૨૩માં મારા પર આરોપ લાગ્યા ત્યારથી મેં મુખ્યમંત્રી સાથે વાત કરી નહોતી. જ્યારે મારા પર આરોપ લાગ્યો ત્યારે મેં નક્કી કર્યું હતું કે આ લડાઈ મારી છે અને હું તેને લડીશ.‘
પરિવારના બે સભ્યોએ પોતાનું દુ:ખ શેર કર્યું
ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે જણાવ્યું હતું કે, ‘જાન્યુઆરી ૨૦૨૩માં મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો, ત્યારથી મેં તેમની પાસેથી અંતર બનાવી લીધું છે. મેં કહ્યું હતું કે જ્યારે તે મને ફોન કરશે ત્યારે જ હું તેમને મળવા જઈશ, હવે જ્યારે તેમણે મને ફોન કર્યો ત્યારે હું તેમને મળવા ગયો. આ બેઠકમાં પરિવારના બે સભ્યોએ પોતાનું દુ:ખ અને ફરિયાદ શેર કરી હતી, આમાં કંઈ રાજકીય નથી.‘
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચેની આ મુલાકાતને ખાસ રહી હતી. કારણ કે, વર્ષ ૨૦૨૭ ના ચૂંટણી સમીકરણોની દ્રષ્ટિએ આ મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, બ્રિજભૂષણ શરણ સિંહ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમણે રામ મંદિર આંદોલનમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. મહિલા પહેલવાનોના આરોપો બાદ ગત લોકસભા ચૂંટણીમાં તેમની ટિકિટ કાપવામાં આવી હતી. જોકે, તેમના પુત્ર કરણ ભૂષણને ટિકિટ મળી અને તે ચૂંટણી જીતી ગયો હતો.