Last Updated on by Sampurna Samachar
વિશ્વભરમાં આવા ૨૦૦ થી વધુ એરક્રાફ્ટ બનાવાયા
SJ -૧૦૦ વિમાન ભારતમાં પ્રાદેશિક મુસાફરી ક્ષેત્રને બદલી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતે રશિયા સાથે ઉડ્ડયન ક્ષેત્રમાં એક મોટું પગલું ભર્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને રશિયાની પબ્લિક જોઈન્ટ સ્ટોક કંપની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશને મોસ્કોમાં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, સુખોઈ સુપરજેટ SJ -૧૦૦ સિવિલ કોમ્યુટર એરક્રાફ્ટ ભારતમાં બનાવવામાં આવશે.

આ ટ્વીન-એન્જિન, નેરો-બોડી એરક્રાફ્ટમાં આશરે ૧૦૦ મુસાફરોની ક્ષમતા અને આશરે ૩,૦૦૦ કિલોમીટરની રેન્જ છે. તે ખાસ કરીને સ્થાનિક ફ્લાઇટ્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એવું નોંધાયું છે કે વિશ્વભરમાં આવા ૨૦૦ થી વધુ એરક્રાફ્ટ બનાવવામાં આવ્યા છે અને ૧૬ થી વધુ એરલાઇન ઓપરેટરો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
મેક ઇન ઇન્ડિયા‘ પહેલને પણ મજબૂત બનાવશે
નિષ્ણાતોના મતે, ભારતમાં SJ -૧૦૦ નું ઉત્પાદન દેશની પ્રાદેશિક હવાઈ જોડાણ યોજના UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. જે દેશના નાના શહેરો અને નગરોને હવાઈ નેટવર્ક સાથે જોડવામાં નોંધપાત્ર રીતે મદદ કરશે. આ કરાર બાદ HAL ને ભારતમાં SJ -૧૦૦ વિમાનના ઉત્પાદન માટે વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત થયા છે. આ પ્રોજેક્ટ માત્ર ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને જ નહીં પરંતુ ‘મેક ઇન ઇન્ડિયા‘ પહેલને પણ મજબૂત બનાવશે.
આ પ્રોજેક્ટ ભારતના ઉડ્ડયન ઉત્પાદન ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રદાન કરે તેવી અપેક્ષા છે. આ HAL માટે માત્ર એક ટેકનોલોજીકલ સફળતા જ નહીં. પરંતુ ભારતના આર્ત્મનિભરતા (આર્ત્મનિભર ભારત) ને પણ એક નવી ગતિ આપશે. વિમાન ઉત્પાદન સંબંધિત સ્પેરપાર્ટ્સ, જાળવણી અને સપ્લાય ચેઇનમાં પણ હજારો રોજગારીની તકો ઊભી થશે.
રશિયા સાથે પહેલાથી જ મજબૂત સંરક્ષણ ભાગીદારીના આધારે, નાગરિક ઉડ્ડયનમાં આ સહયોગ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે. SJ -૧૦૦ વિમાન ભારતમાં પ્રાદેશિક મુસાફરી ક્ષેત્રને બદલી શકે છે, ખાસ કરીને મર્યાદિત હવાઈ સેવાઓ ધરાવતા વિસ્તારોમાં ઉન્નતિ લાવશે.
 
				 
								