Last Updated on by Sampurna Samachar
ત્રણ આતંકવાદીઓ મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા
હથિયારો અને બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
એક મોટા આંતકી ષડયંત્રને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે નિષ્ફળ બનાવી દીધો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અને કેન્દ્રીય એજન્સીઓએ મળીને ૩ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. તેમણે એક મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કર્યો છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલા ઓપરેશન દરમિયાન, ૫ ISIS આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી, જેમાંથી બે આતંકવાદીઓ દિલ્હીથી અને એક આતંકવાદી રાંચીથી ધરપકડ કરવામાં આવી. આતંકવાદીઓ પાસેથી હથિયારો અને બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી છે.

દિલ્હીથી ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ આફતાબ અને સુફિયાન તરીકે થઈ છે, જે મુંબઈના રહેવાસી છે. રાંચીથી ધરપકડ કરાયેલા આતંકવાદીની ઓળખ દાનિશ તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણ આતંકવાદીઓ મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા.
પાંચેય આતંકવાદીઓ ISIS ના સ્લીપર સેલ
દિલ્હીના સ્પેશિયલ સેલે સેન્ટ્રલ એજન્સી સાથે મળીને દિલ્હી, મુંબઈ અને ઝારખંડ સહિત આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવા માટે ત્રણ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેમણે દિલ્હીથી બે અને રાંચીથી એક આતંકવાદીની ધરપકડ કરી હતી.
ઝારખંડ એટીએસ અને રાંચીની સ્થાનિક પોલીસની મદદથી, ઇસ્લામ નગરની એક લોજ પર દરોડો પાડવામાં આવ્યો, જ્યાં અશહર ઉર્ફે દાનિશ એક વિદ્યાર્થી તરીકે છુપાઈને રહેતો હતો. તેની ધરપકડ બાદ, પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો કે તે કેમિકલ હથિયારો બનાવવામાં નિષ્ણાત છે. દાનિશ અને આફતાબની પૂછપરછને આધારે, અન્ય ત્રણ આતંકવાદીઓ પણ પકડાઈ ગયા.
દરોડામાં દિલ્હીથી પકડાયેલા આતંકવાદી અફતાન અને સુફિયાન પાસેથી શસ્ત્રો અને IED બનાવવાની સામગ્રી મળી આવી હતી. તે જ સમયે, પોલીસે રાંચીથી પકડાયેલા દાનિશના ઠેકાણામાંથી રાસાયણિક IED બનાવવાની સામગ્રી મળી આવી હતી. આ ઉપરાંત, એક દેશી બનાવટની પિસ્તોલ અને એક જીવંત કારતૂસ પણ મળી આવ્યું હતું. માહિતી અનુસાર, આ આતંકવાદીઓ દિલ્હી સહિત દેશના વિવિધ સ્થળોએ આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા.
માહિતી અનુસાર, ધરપકડ કરાયેલા પાંચેય આતંકવાદીઓ ISIS ના સ્લીપર સેલ હતા. આ આતંકવાદીઓનું મુખ્ય કાર્ય ISIS માં નવા આતંકવાદીઓની ભરતી કરવાનું પણ હતું. સ્પેશિયલ સેલ રેકી કરીને ISIS માં અત્યાર સુધી કેટલા આતંકવાદીઓની ભરતી કરવામાં આવી છે અને આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનું કાવતરું ક્યાં ઘડવામાં આવી રહ્યું છે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. પોલીસે કેટલાક વધુ શંકાસ્પદ આતંકવાદીઓની અટકાયત કરી છે અને તેમની સઘન પૂછપરછ કરી રહી છે.
હાલ ઈન્ટેલીજન્સ એજન્સીઓ પાંચેય આતંકવાદીઓની પૂછપરછ કરીને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેઓ કઈ કઈ જગ્યાએ હુમલાની યોજના બનાવી રહ્યા હતા અને કયા સ્થળોએ બોમ્બ પ્લાન્ટ કરવાનું આયોજન હતું. આ સાથે તેમના અન્ય સાથીઓ ક્યાં છે અને કોના આદેશ પર તેઓ ભારતમાં આવીને આ ષડયંત્ર રચી રહ્યા હતા, તે અંગે પણ તપાસ ચાલી રહી છે.