વર્ષના અંતે આ સૌથી મોટી કરુણાંતિકા મનાઈ રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દક્ષિણ કોરિયામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. દક્ષિણ કોરિયામાં એરપોર્ટ પર એરક્રાફ્ટનું લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું હતું. જેના કારણે વિમાન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું. આ પછી પ્લેનમાં આગ લાગી હતી. જે આગમાં ૧૮૦ જેટલા લોકો જીવતા બુઝાઈ ગયા હતા. ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી આશંકા છે, જ્યારે આ દુર્ઘટનામાં માંડ બે લોકો બચી શક્યા છે.
સ્થાનિક અહેવાલ અનુસાર આ વિમાન દુર્ઘટના બાદ લાગેલી આગમાં ૧૮૦ લોકોના મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે. આગના સમાચાર મળતા જ એરપોર્ટ પર તૈનાત ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પ્લેનમાં લગભગ ૧૮૧ લોકો સવાર હતા. વર્ષના અંતે આ સૌથી મોટી કરુણાંતિકા માનવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો અને માહિતી અનુસાર દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટના હવામાં વિમાન સાથે પક્ષીના અથડાવાને કારણે સર્જાઈ હોવાનું પણ મનાય છે. વિમાનમાં કુલ ૧૭૫ મુસાફર અને ૬ ક્રૂ મેમ્બર્સ સહિત ૧૮૧ લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેજુ એરનું આ વિમાન થાઈલેન્ડથી ઉડ્યું હતું. તે દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશન એરપોર્ટ પર લેન્ડ કરવા જતાં જ આગની લપેટમાં આવી ગયું હતું અને રનવેથી લપસી થતાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું.