કમોસમી વરસાદ અને વાદળોને કારણે પાક બગડવાની ચિંતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયુ વાતાવરણ અને ગાઢ ધુમ્મસને કારણે લોકો ઠંડીથી ઠુંઠવાયા છે તો બીજી તરફ વાદળછાયા વાતાવરણને કારણે એરંડાના પાકમાં ઈયળ અને ફુલિયાના રોગની શરૂઆત થઈ છે જો આગાહીને પગલે કમોસમી વરસાદ થાય તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાય તેવી સ્થિતિ ઊભી થવા પામી છે જેથી પાક નુકસાનીને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે.
રવિ સિઝનમાં ખેતી પાકોમાં સારું એવું ઉત્પાદન મળશે તેવી આશાએ પાટણ જિલ્લાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં ખર્ચાઓ કરીને ખેતરોમાં એરંડા, રાયડો, ઘઉં, જીરુ, કપાસ, સહિતના પાકોનું વાવેતર કર્યું હતું હાલમાં ખેતરોમાં પાક તૈયાર થઈને ઊભો છે અને થોડા સમય બાદ તેની કાપણી કરવામાં આવશે તેવા સમયે જ હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે. તે અંતર્ગત પાટણ જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. ગાઢ ધુમ્મસ અને વાદળછાય વાતાવરણને કારણે સૂર્યના દર્શન પણ દુર્લભ બન્યા છે.
ત્યારે કમોસમી વરસાદ થાય તો એરંડા કપાસ અને રાયડાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેમ છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે. પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ રહેવા ને કારણે સવારે ઠાર પડતા જેની સીધી અસર ખેતી પાકો ઉપર થઈ રહી છે તેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.એરંડા ના ઉભા પાક માં ઈયળો (કાતરા) નો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ઈયળો સમગ્ર પાક પર પ્રસરી જતા તે છોડની માળો અને પાન કોરી ખાય છે. જ્યારે થુલિયાને કારણે માળ અડધી રહે છે. દવા છંટકાવ થી કાતરાનો રોગ દૂર થાય છે પણ થુલ્યો દૂર થતો નથી જેથી પાક ઉત્પાદન ઉપર તેની સીધી અસર પડશે તેને લઇ ખેડૂતો ચિંતાતુર બનવા પામ્યો છૅ.
બીજી તરફ રાયડામાં મોલ ગળી જવાને કારણે મેલો મચ્છી નો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ખેતી પાકોમાં આ પ્રકારેના રોગ ચાળાને લઇ ઉત્પાદન ઘટવાની સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છૅ. પાટણ જિલ્લામાં ખેડૂતોએ એરંડા સહિતના પાક વાવેતર પાછળ ખેડ ખાતર બિયારણમાં મોટું આર્થિક રોકાણ કરી વાવેતર કર્યું અને હવે પાક તૈયાર થવા આવ્યો તેવામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા અને વાદળ છાયું વાતાવરણ, રહેતા ખેડૂત આલમ ચિંતામાં જોવા મળી રહ્યો છે.