Last Updated on by Sampurna Samachar
ભારતીય ટીમે આ બીજી ટેસ્ટ મેચ જીતવી જ પડશે
સાઉથ આફ્રિકાએ ૪૮૯ રનનો વિશાળ સ્કોર બનાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુવાહાટી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની ટીમે પહેલી ઈનિંગમાં ૪૮૯ રન ફટકારી વિશાળ સ્કોર ઊભો કર્યો છે. સીરિઝની બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાના બેટર્સે ભારતના બોલર્સને હંફાવી નાંખ્યા. સેનુરન મુથુસામીએ સદી ફટકારી જ્યારે માર્કો જાનસેન પણ અડધી સદી ફટકારીને ઝળકયો. ભારતીય બોલર્સમાં કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે તો ૧૦૦-૧૦૦થી વધુ રન લૂંટાવ્યા.

પહેલા દિવસના ત્રીજા સેશનમાં ભારતીય ટીમે સારું કમબેક કર્યું હતું અને ૨૪૬ રનના સ્કોરમાં સાઉથ આફ્રિકાની ટીમે ૬ વિકેટ ગુમાવી. પણ બીજા દિવસની મેચમાં સેનુરન મુથુસામી અને કાઈલ વેરેયિને ૮૮ રનની પાર્ટનરશિપ કરી અને ભારતીય બોલર્સનો પરસેવો છૂટી ગયો. સેનુરન મુથુસામીએ પછી માર્કો સાથે ૯૭ રનની પાર્ટનરશિપ કરી. જોત જોતામાં સાઉથ આફ્રિકાની ટીમનો સ્કોર ૪૫૦ રનને પાર જતો રહ્યો.
કોલકાતા ટેસ્ટમાં ભારતીય ટીમની થઇ હતી હાર
મોહમ્મદ સિરાજે ૩૦ ઓવરમાં ૧૦૬ રન આપી બે વિકેટ ઝડપી જ્યારે કુલદીપ યાદવે ૨૯.૧ ઓવરમાં ૧૧૫ રન આપી ૪ વિકેટ ઝડપી. બુમરાહ અને વોશિંગ્ટન સુંદરને છોડી કોઈ પણ બોલરનો ઈકોનોમી રેટ ૩થી નીચે ન રહ્યો. બુમરાહે ૩૨ ઓવર બોલિંગ કરી ૭૫ રન આપ્યા અને ૨ વિકેટ ઝડપી.
નોંધનીય છે કે કોલકાતા ટેસ્ટમાં ભારતીય ટીમનો ૩૦ રને કારમો પરાજય થયો હતો. એવામાં સાઉથ આફ્રિકાની ટીમ ૧-૦થી આગળ છે. સીરિઝને ડ્રો કરાવવા માટે ભારતીય ટીમે આ બીજી ટેસ્ટ મેચ જીતવી જ પડશે.