Last Updated on by Sampurna Samachar
સોલ્ટ લેક સ્ટેડિયમમાં બનેલી ઘટનામાં ગાંગુલીનુ નામ લાવતાં વિવાદ
સાહા આજેર્ન્ટિના ફેન ક્લબના પ્રમુખ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પૂર્વ ભારતીય કેપ્ટન અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલીએ ઉત્તમ સાહા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગાંગુલીએ આરોપ લગાવ્યો છે કે સાહાએ યુવા ભારતી સ્ટેડિયમ ઘટનામાં જાણી જોઈને તેમને ફસાવ્યા હતા અને તેમના વિરુદ્ધ ખોટા, દુર્ભાવનાપૂર્ણ અને બદનક્ષીભર્યા નિવેદનો આપીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું. સાહા આજેર્ન્ટિના ફેન ક્લબના પ્રમુખ છે.

દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીની એક ઈવેન્ટ દરમિયાન સોલ્ટ લેક સ્ટેડિયમમાં અફરાતફરી ફેલાઈ હતી. ગાંગુલીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉત્તમ સાહાએ વારંવાર તેમના વિરુદ્ધ ખોટા અને બદનક્ષીભર્યા આરોપો લગાવ્યા હતા, જેનાથી માત્ર તેમના વ્યક્તિગત ગૌરવને જ નુકસાન થયું નહોતું પરંતુ જાહેરમાં તેમના ચારિત્ર્ય અને પ્રતિષ્ઠાને પણ કલંકિત કરવામાં આવી હતી.
લિયોનેલ મેસ્સીના કાર્યક્રમ સાથે કોઈ સંબંધ નથી
સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે ઉત્તમ સાહાએ આ ઇરાદાપૂર્વક અને હેતુપૂર્વક કર્યું હતું. પૂર્વ ભારતીય કેપ્ટને સાહાને કાનૂની નોટિસ મોકલી છે અને હવે તેણે ૫૦ કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. ગાંગુલીએ કહ્યું છે કે આ આરોપોનો કોઈ તથ્યપૂર્ણ આધાર નથી અને તેનો ખોટી રીતે પ્રચાર કરવામાં આવ્યો છે.
ઘટનાના દિવસે સૌરવ ગાંગુલી સોલ્ટ લેક સ્ટેડિયમમાં હાજર હતા, પરંતુ તેઓ એક અલગ એરિયામાં હતા અને હંગામા વચ્ચે નિરાશ થઈ ગયા. ગાંગુલીએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ આ કાર્યક્રમમાં ફક્ત મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને તેમને લિયોનેલ મેસ્સીના કાર્યક્રમ સાથે કોઈ સંબંધ નથી.
સૌરવ ગાંગુલીના વકીલોએ જણાવ્યું હતું કે તેમની જાહેર પ્રતિષ્ઠાને બચાવવા અને ભવિષ્યમાં આવા ખોટા આરોપોને રોકવા માટે આ મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો હતો. આજેર્ન્ટિના ફેન ક્લબના પ્રમુખ ઉત્તમ સાહા દ્વારા કરવામાં આવેલા આરોપોએ ગાંગુલીની છબી અને વ્યક્તિગત પ્રતિષ્ઠાને નોંધપાત્ર રીતે અસર કરી છે. ભારતીય ચાહકો આ મુકદ્દમાની સુનાવણી અને પરિણામને ખૂબ જ રસથી જોઈ રહ્યા છે, કારણ કે તે ક્રિકેટ અને ફેન ક્લબ વચ્ચેના જાહેર વિવાદમાં એક મુખ્ય વળાંક તરીકે ઉભરી રહ્યો છે.