Last Updated on by Sampurna Samachar
લુધિયાણામાં પાર્ટીના બે મોટા નેતાએ રાજીનામું ધર્યું
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી સંગઠન મહાસચિવને મોકલાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, પ્રદેશ પ્રમુખે તેને સંપૂર્ણપણે નકારી કાઢ્યું હોવા છતાં પંજાબ કોંગ્રેસમાં બળવાના સૂર સંભળાઈ રહ્યા છે.
પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓ પરગટ સિંહ અને કુશલદીપ સિંહ ઢિલ્લોને પંજાબ કોંગ્રેસના ઉપપ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને પંજાબ પ્રભારી ભૂપેશ બઘેલને મોકલી દીધા છે.
આ મામલો પાર્ટી હાઈકમાન્ડે જોવાનો છે
બંને નેતાઓએ પાર્ટીની તાજેતરની હાર માટે સામૂહિક આત્મમંથનની માંગ કરી છે અને પ્રદેશ કોંગ્રેસ સંગઠનના પુનર્ગઠનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જોકે, બંને નેતાઓએ આ ઘટનાક્રમ પર કોઈ ઔપચારિક ટિપ્પણી નથી કરી. આ સમગ્ર મામલે જ્યારે પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘મને કોઈ રાજીનામું નથી મળ્યું. આ મામલો પાર્ટી હાઈકમાન્ડે જોવાનો છે.
તમને જણાવી દઈએ કે, આના એક દિવસ પહેલા જ લુધિયાણા બેઠક પરથી પેટાચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર ભરત ભૂષણ આશુએ પેટાચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી લેતા પ્રદેશ કાર્યકારી પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરગટ સિંહ અને ઢિલ્લોને આ હારને વ્યક્તિગત નહીં. પરંતુ સામૂહિક નિષ્ફળતા ગણાવી હતી અને પક્ષની અંદર પ્રામાણિક આત્મનિરીક્ષણની માંગ કરી હતી.
તમને જણાવી દઈએ કે, પાર્ટી અધ્યક્ષ વારિંગ અને વિધાનસભામાં વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા મોટાભાગના પ્રચાર દરમિયાન મેદાનમાંથી ગાયબ રહ્યા હતા અને માત્ર છેલ્લા તબક્કામાં જ નજર આવ્યા હતા. બીજી તરફ આશુએ પ્રચાર માટે પોતાની પસંદગીની ટીમ પસંદ કરી હતી, જેમાં પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, રાણા ગુરજીત સિંહ, પરગત સિંહ જેવા નેતાઓ સામેલ હતા. રાણા ગુરજીત સિંહ અગાઉ પણ વારિંગને સ્વાર્થી નેતા ગણાવી ચૂક્યા છે અને પ્રદેશ અધ્યક્ષ બનવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.