Last Updated on by Sampurna Samachar
દ્રૌપદી મુર્મુનું આ સંબોધન વિપક્ષને પસંદ ન આવ્યું હોય તેવી ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત ગૃહને સંબોધિત કર્યું હતુ . રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૫૯ મિનિટના પોતાના આ સંબોધનમાં સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. જોકે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ સંબોધન વિપક્ષને પસંદ ન આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રાષ્ટ્રપતિના સંબોધન પર કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક એવી ટિપ્પણી કરી, જેના કારણે ભારે વિવાદ સર્જાઈ શકે છે.
સંસદ પરિસરમાં જ્યારે પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો ત્યારે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને ‘poor lady ’ એટલે કે બીચારી મહિલા કહ્યા હતા. તેમણે કહ્યું કે, ‘સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઘણા થાકી ગયા હતા. તેઓ માંડ માંડ બોલી શકતા હતા.’
ગૃહમાંથી બહાર નીકળતી વખતે સોનિયા ગાંધીની સાથે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કેટલા કોંગ્રેસના નેતાઓ હાજર હતા. આ દરમિયાન તેઓ કોઈ મુદ્દા પર વાત કરી હસી રહ્યા હતા. જ્યારે તેમને પત્રકારોએ પૂછ્યું કે રાષ્ટ્રપતિના સંબોધન પર તમારી પ્રતિક્રિયા શું છે? ત્યારે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના સંબોધનને કંટાળાજનક કહ્યું હતું. આ દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ ખૂબ જ થાકી ગયા હતા. છેલ્લે તેઓ માંડ માંડ બોલી શકતા હતા , બીચારી મહિલા.’
આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ સત્ર પહેલા સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યા હતા. આ સંબોધન દરમિયાન તેમણે સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. પોતાના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ ‘સબકા સાથ, સબકા વિકાસ’ નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, મારી સરકારનો મંત્ર ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ છે અને અમે તેના પર કામ કરી રહ્યા છીએ. રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી સરકાર આગળ વધી રહી છે. કલમ ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં વિકાસનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ એક-એક કરીને સરકારની સિદ્ધિઓ ગણાવી હતી.