Last Updated on by Sampurna Samachar
ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ દાવો કર્યો
મતદારયાદીમાં ગેરરિતી થયાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચૂંટણી પંચ દ્વારા બિહારમાં શરૂ કરાયેલ મતદાર યાદી સુધારણા મામલે વિપક્ષો ભારે વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી SIR મામલે રોજબરોજ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કરતા રહ્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ SIR નો મામલો પહોંચી ગયો છે, ત્યારે ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધી, મતદાર યાદીમાં સોનિયા ગાંધીના નામમાં ગેરરીતિ થઈ હોવાના પુરાવા શેર કર્યા છે.
ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ દાવો કર્યો છે કે, જ્યારે સોનિયા ગાંધી ભારતના નાગરિક ન હતા, ત્યારે તેમનું નામ મતદાર યાદીમાં બે વખત રજીસ્ટર્ડ થયેલું હતું અને આ બાબત ચૂંટણી કાયદાનું સ્પષ્ટરૂપે ઉલ્લંઘન થયું હોવાનું દેખાઈ રહ્યું છે. આ જ કારણે રાહુલ ગાંધી અયોગ્ય, ગેરકાયદેસર અને SIR નો વિરોધ કરી રહેલા મતદારોને કાયદેસર કરવાની તરફેણ કરી રહ્યા છે.
એક જ વ્યક્તિનું બે વખત નામ આવવું એ ગંભીર મામલો
માલવિયાએ સોશિયલ મીડિયા એક્સ પર પુરાવા સાથે પોસ્ટ લખી છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે, મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ પહેલીવાર ૧૯૮૦માં નોંધાયું હતું, જોકે તેઓ તે વખતે ઈટાલીના નાગરિક હતા અને હજુ સુધી તેમને ભારતીય નાગરિકતા મળી નથી. તે વખતે ગાંધી પરિવાર ૧, સફદરજંગ રોડ, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નિવાસસ્થાને રહેતો હતો. તેથી મતદાર યાદીમાં આ જ સરનામે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી અને મેનકા ગાંધીનું નામ હતું. વર્ષ ૧૯૮૦માં મતદાર યાદી સુધારણા હાથ ધરાઈ હતી, જેમાં એક જાન્યુઆરી-૧૯૮૦ માન્યતા તારીખ રાખવામાં આવી હતી. આ દરમિયાન સોનિયા ગાંધીનું નામ પોલિંગ સ્ટેશન નંબર-૧૪૫માં ૩૮૮ ક્રમે જાેડવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે, ‘૧૯૮૨માં વિવાદ થયો હતો, જેના કારણે સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવાયું, પછી ૧૯૮૩માં ફરી મતદાર યાદીમાં નામ રજિસ્ટર્ડ કરી પોલિંગ સ્ટેશન ૧૪૦માં ૨૩૬ ક્રમ આપવામાં આવ્યો.
આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, તે વખતે મતદાર યાદી સુધારણા હાથ ધરાઈ ત્યારે યોગ્ય તિથી એક જાન્યુઆરી-૧૯૮૩ નક્કી કરવામાં આવી હતી, જ્યારે સોનિયા ગાંધીને ૩૦ એપ્રિલ-૧૯૮૩માં ભારતીય નાગરિકતા મળી હતી. એટલે કે તે સમયે તેઓ ભારતીય નાગરિક ન હતા.
માલવીએ એવું પણ કહ્યું કે, ‘સોનિયા ગાંધીએ રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યાના ૧૫ વર્ષ બાદ જ ભારતીય નાગરિકતા કેમ મેળવી? મતદાર યાદીમાં એક જ વ્યક્તિનું બે વખત નામ આવવું એ ગંભીર મામલો છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપની મિલિભગત હોવાનો આક્ષેપ કરી કહ્યું હતું કે, એસઆઈઆર દ્વરા વોટ ચોરી કરવામાં આવી રહી છે. રાહુલે કથિત વોટ ચોરી વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું છે.
તેમણે વોટ ચોરીના આક્ષેપોની પુષ્ટી કરવા અનેક ઉદાહરણ આપ્યા હતા. તેમણે કહ્યું કે વોટ ચોરી કરવા માટે પાંચ પ્રકારની રીત અપનાવવામાં આવી છે, જેમાં ચૂંટણી પંચે ડુપ્લિકેટ મતદાર બનાવાયા માટે બનાવટી, અમાન્ય સરનામું, એક જ સરનામે અનેક નામ, અમાન્ય ફોટો વાળા અનકે મતદારો ઉભા કર્યા છે. એટલું જ નહીં મતદારો માટેના ફોર્મ-૬નો દુરુપયોગ કરવામાં આવ્યો છે. વિપક્ષોએ એસઆઈઆરના વિરોધમાં દિલ્હીમાં સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી પદયાત્રા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેઓએ ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે વિપક્ષના સાંસદો આગળ વધે તે પહેલા પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા.