Last Updated on by Sampurna Samachar
PM મોદી અને નેતન્યાહૂની મિત્રતા પર ઉઠાવ્યા સવાલ
વ્યક્તિગત મિત્રતા દ્વારા પ્રેરિત હોય તેવું લાગે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ સંસદીય પક્ષના વડા સોનિયા ગાંધીએ પેલેસ્ટાઈન મુદ્દા પર કેન્દ્ર સરકારના વલણની ટીકા કરી હતી. તેમણે એક લેખમાં લખ્યું કે, સરકારના પગલાં મુખ્યત્ત્વે ભારતના બંધારણીય મૂલ્યો અથવા તેના વ્યૂહાત્મક હિતોને બદલે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની વ્યક્તિગત મિત્રતા દ્વારા પ્રેરિત હોય તેવું લાગે છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લેખ લખીને મોદી સરકારના વલણની આકરી ટીકા કરી છે. તેમણે લખ્યું કે, વ્યક્તિગત રાજદ્વારીની આ શૈલી ક્યારેય સ્વીકાર્ય નથી અને તે ભારતની વિદેશ નીતિને માર્ગદર્શન આપી શકતી નથી. વિશ્વના અન્ય ભાગોમાં ખાસ કરીને અમેરિકામાં આવું કરવાના પ્રયાસો તાજેતરના મહિનાઓમાં સૌથી દુ:ખદ અને અપમાનજનક રીતે નિષ્ફળ ગયા છે.
બે વર્ષમાં ભારતે પોતાની ભૂમિકા લગભગ છોડી દીધી
ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષ પર છેલ્લા કેટલાક મહિનામાં સોનિયા ગાંધીનો આ ત્રીજાે લેખ છે, જે દરેક વખતે આ મુદ્દા પર મોદી સરકારના વલણની આકરી ટીકા કરે છે. સોનિયા ગાંધીએ લેખમાં લખ્યું, ભારતે લાંબા સમયથી ઈઝરાયલ-પેલેસ્ટાઈનના ગંભીર અને સંવેદનશીલ મુદ્દા પર સૈદ્ધાંતિક વલણ અપનાવ્યું છે, શાંતિ અને માનવ અધિકારોના રક્ષણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. ભારત ૧૯૭૪માં પેલેસ્ટાઈન લિબરેશન ઑર્ગેનાઇઝેશને માન્યતા આપનારા પ્રથમ દેશોમાંનો એક હતો અને તેણે સતત બે-દેશ સમાધાનને ટેકો આપ્યો છે.
મોદી સરકાર પર આરોપ લગાવતા સોનિયા ગાંધીએ લખ્યું, ઑક્ટોબર ૨૦૨૩માં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે દુશ્મનાવટ વધી ત્યારથી છેલ્લા બે વર્ષમાં ભારતે પોતાની ભૂમિકા લગભગ છોડી દીધી છે. સાતમી ઑક્ટોબર ૨૦૨૩ના રોજ ઈઝરાયલી નાગરિકો પર થયેલા હુમલા પછી ૧૭,૦૦૦ બાળકો સહિત ૫૫,૦૦૦થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે. ઈઝરાયલી સૈન્ય ખોરાક, દવા અને અન્ય સહાય જેવી આવશ્યક ચીજવસ્તુઓની ડિલિવરીમાં અવરોધ ઊભો કરી રહ્યું છે, જેના કારણે ગાઝાના લોકો દુષ્કાળ જેવી સ્થિતિમાં ધકેલાઈ ગયા છે.
બેન્જામિન નેતન્યાહૂ અને પીએમ મોદી અંગે લખ્યું કે, મોદી સરકારનું બહેરાશભર્યું મૌન માનવતા અને નૈતિકતા બંનેનો ત્યાગ દર્શાવે છે.
એવું લાગે છે કે સરકારના પગલાં ભારતના બંધારણીય મૂલ્યોને બદલે ઈઝરાયલી વડાપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની વ્યક્તિગત મિત્રતાથી પ્રેરિત છે. વ્યક્તિગત વ્યૂહનીતિની આ શૈલી ક્યારેય સ્વીકાર્ય નથી અને તે ભારતની વિદેશ નીતિને માર્ગદર્શન આપી શકતી નથી.