Last Updated on by Sampurna Samachar
વકફ સુધારા બિલને લોકસભામાં બળજબરીથી પસાર કરવામાં આવ્યું
કોંગ્રેસ સંસદીય પક્ષની સામાન્ય સભામાં સોનિયા ગાંધીના પ્રહારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસના સોનિયા ગાંધીનુ હવ્ વક્ફ બિલને લઇ નિવેદન સામે આવ્યુ છે. જેમાં કહ્યું છે કે વકફ સુધારા બિલને લોકસભામાં બળજબરીથી પસાર કરવામાં આવ્યું છે. CPP ની બેઠકમાં બોલતા સોનિયાએ કહ્યું કે પાર્ટી પ્રસ્તાવિત એક રાષ્ટ્ર-એક ચૂંટણી બિલનો પણ વિરોધ કરશે. તેમણે તેને બંધારણને નુકસાન પહોંચાડવાનો બીજો પ્રયાસ ગણાવ્યો.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ વક્ફ સુધારા બિલ પર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે બિલ અને તેને પસાર કરવામાં સરકારે દાખવેલી ઉતાવળની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ બિલ બળજબરીથી પસાર કરવામાં આવ્યું છે, તેને લાદવામાં આવ્યું છે.
મોદી સરકાર દેશને ખાડામાં ધકેલી રહી છે
કોંગ્રેસ સંસદીય પક્ષની સામાન્ય સભામાં બોલતા સોનિયા ગાંધી (Sonia Gandhi) એ કહ્યું, વક્ફ સુધારા બિલ ૨૦૨૪ લોકસભામાં પસાર થયું હતું. આ બિલ બળજબરીથી પસાર કરવામાં આવ્યું હતું. અમારા પક્ષનું વલણ સ્પષ્ટ છે. આ બિલ બંધારણ પર હુમલો છે. આ આપણા સમાજને કાયમ માટે ધ્રુવીકરણમાં રાખવાની ભાજપની ઇરાદાપૂર્વકની વ્યૂહરચનાનો એક ભાગ છે.
લોકસભામાં વક્ફ સુધારા બિલ પસાર થયાના થોડા કલાકો પછી કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠકમાં કોંગ્રેસના સાંસદોને સંબોધતા તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકાર દેશને ખાડામાં ધકેલી રહી છે. સરકાર કોઈ પણ બાબતમાં કસર છોડી રહી નથી, પછી ભલે તે શિક્ષણ હોય, નાગરિક અધિકાર હોય, લોકોની સ્વતંત્રતા હોય, આપણું સંઘીય માળખું હોય કે ચૂંટણીઓનું સંચાલન હોય. તેમણે દાવો કર્યો કે હવે આપણું બંધારણ ફક્ત કાગળ પર જ રહેશે. આપણે જાણીએ છીએ કે તેઓ તેને પણ તોડી પાડવાનો ઇરાદો ધરાવે છે.
બેઠકમાં સાંસદોને સંબોધતા સોનિયા ગાંધીએ કહ્યું, “આપણા બધા માટે એ મહત્વપૂર્ણ છે કે આપણે શું યોગ્ય છે અને શું ન્યાયી છે તેના માટે લડતા રહીએ. મોદી સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરીએ. સરકાર દરેક વસ્તુ પર નજર રાખવા માંગે છે. આપણે આ વાત લોકો સમક્ષ લાવવી પડશે.” કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત તમામ પક્ષના સાંસદો બેઠકમાં હાજર રહ્યા હતા.
સોનિયા ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાને ૨૦૦૪-૨૦૧૪ દરમિયાન હાથ ધરાયેલી અનેક પહેલોને પોતાની વ્યક્તિગત સિદ્ધિઓ તરીકે રિબ્રાન્ડિંગ, રિપેકેજિંગ અને માર્કેટિંગ કર્યું છે. તેમણે ભાર મૂક્યો કે આપણી પોતાની જાહેર આઉટરીચ પ્રવૃત્તિઓ દ્વારા પણ આને પ્રકાશિત કરવાની જરૂર છે.
સંસદના બંને ગૃહોની કામગીરી પર બોલતા તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષી નેતાઓને બોલવા દેવામાં આવી રહ્યા નથી. શાસક પક્ષ વારંવાર વિક્ષેપો ઉભા કરે છે. જેથી કોંગ્રેસ તેના મુદ્દાઓ ઉઠાવી ન શકે. તેમણે કહ્યું કે ભાજપના સભ્યો કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારોને સીધા જુઠ્ઠાણાથી આક્રમક રીતે નિશાન બનાવે છે. તેમણે પક્ષના સાંસદોને પણ આવી જ આક્રમક બનવા અને ભાજપ શાસિત રાજ્યોમાં નિષ્ફળતાઓ અને કુશાસનને ઉજાગર કરવા વિનંતી કરી.