Last Updated on by Sampurna Samachar
વાંગચુકની પત્નીએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
NSA અટકાયતને ગેરકાયદેસર ગણાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની અટકાયત વિરુદ્ધ તેની પત્ની ગીતાંજલિએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ગીતાંજલિએ હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે. તેણે સોનમને તત્કાલ છોડવાની માંગ કરી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે સોનમ લોકતાંત્રિક રીતે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યો હતો. તેના પર ખોટા આરોપ લગાવવામાં આવ્યો. હવે તેની NSA હેઠળ અટકાયત કરી જોધપુર લઈ જવાની વાત કહેવામાં આવી રહી છે, પરંતુ તંત્રએ તેની સાથે જોડાયેલ ડિટેન્શન ઓર્ડર ઉપલબ્ધ કરાવ્યો નથી. તેવામાં આ કસ્ટડી ગેરકાયદેસર છે. સોનમને છોડવામાં આવે.
ઘણા આરોપ લગાવવામાં આવ્યા
મેગ્સેસે પુરસ્કારથી સન્માનિત પર્યાવરણ વૈજ્ઞાનિક સોનમ વાંગચુક લાંબા સમયથી લદ્દાખના આંદોલનનો મુખ્ય ચહેરો રહ્યો છે. આ આંદોલન લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ વિશેષ દરજ્જો આપવાની માંગ સાથે જોડાયેલ છે. છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાથી પ્રદેશને સ્થાનિક સંસાધનો પર વધુ અધિકારો, સાંસ્કૃતિક સંરક્ષણ અને સ્વાયત્ત પરિષદ જેવી બંધારણીય ગેરંટી મળે છે.
લદ્દાખમાં ધરણા-પ્રદર્શન અને ભૂખ હડતાલ દ્વારા ચાલી રહેલા આંદોલને પાછલા દિવસોમાં ઉગ્ર રૂપ લઈ લીધું. આ દરમિયાન પોલીસ ગોળીબારમાં ચાર લોકોના મોત થયા હતા. લદ્દાખ તંત્રએ સોનમ પર વિદેશી શક્તિઓ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેની ૨૬ સપ્ટેમ્બરે અટકાયત કરવામાં આવી હતી. સોનમ પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સાથે સંપર્ક રાખવા, વિદેશથી ગેરકાયદેસર ફંડ લેવા સહિત ઘણા આરોપ લગાવવામાં આવ્યા છે.