Last Updated on by Sampurna Samachar
કાનપુરમાં પિતા – પુત્રના મૃત્યુની કાળજું કંપાવનારી ઘટના
પુત્રને રસ્તામાં જ હાર્ટઅટેક આવ્યો હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કાનપુરમાં પિતાના મોત પર આઘાત લાગતાં પુત્રનું મોત થતાં પરિવારમાં શોક ફેલાયો હતો. એક જ પરિવારના બે લોકોના એકસાથે મોતથી કાનપુરના ચમનગંજમાં શોકાતુરની લાગણી છવાઈ હતી. પિતાના મૃત્યુ બાદ તેમના મૃતદેહને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જતી વખતે પુત્ર બાઈક પર પાછળ આવી રહ્યો હતો. ત્યારે પિતાના મોતનું દુ:ખ સહન ન થતાં પુત્રને રસ્તામાં જ હાર્ટઅટેક આવ્યો હતો.

મળતી માહિતી મુજબ કાનપુરના ચમનગંજના રહેવાસી લઈક અહેમદની તબિયત લથડી હતી. જેના લીધે તેમને પ્રાઈવેટ નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવાર અહેમદના મૃતદેહને ઘરે લાવી રહ્યો હતો. તે સમયે લઈક અહેમદનો પુત્ર અતિક એમ્બ્યુલન્સની પાછળ બાઈક લઈને આવી રહ્યો હતો. પિતાના મોતનો આઘાત લાગતાં અતિકને અચાનક હાર્ટઅટેક (HEART ATTECK) આવ્યો અને બાઈક પરથી નીચે પડી ગયો. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પિતાના મોતથી અતિક આઘાતમાં સરી પડ્યો
લઇકનો દીકરો અતિક તેના પિતાને ખૂબ પ્રેમ કરતો હતો, નર્સિંગ હોમે પિતાનું મોત થયુ હોવાની જાણ કરી હોવા છતાં અતિક સ્વીકારવા તૈયાર ન હતો કે, તેના પિતા હવે દુનિયામાં રહ્યા નથી. તે તુરંત જ પિતાને કાર્ડિયોલોજી હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ડોક્ટરે પણ લઈકને મૃત જાહેર કર્યો હતો.
પિતાના મોતથી અતિક આઘાતમાં સરી પડ્યો હતો. અતિક તેના સંબંધી સાથે બાઈકમાં પાછળ બેસી ઘરે આવી રહ્યો હતો. જ્યાં તે અચાનક નીચે પડી જતાં તેને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેના મોતનું કારણ હાર્ટ અટેક હતું.
પિતાના મૃત્યુ બાદ તુરંત બાદ પુત્રના મૃત્યુથી પરિવાર માથે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ત્યારે પિતા-પુત્ર બંનેની અંતિમયાત્રા એકસાથે નીકળી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક લોકો ભાવુક થઈ ગયા હતા. બંનેના મૃતદેહને આજુબાજુમાં દફનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખીનય છે, અતિક પરિણિત હતો, અને તેને એક નાની પુત્રી પણ છે.