Last Updated on by Sampurna Samachar
છેલ્લા ૯ વર્ષથી યોજાઈ રહી છે પાવાગઢની પરિક્રમા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગિરનારની લીલી પરિક્રમાની જેમ પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ થયો છે. સોમવારથી બે દિવસ માટે શરૂ થયેલી પરિક્રમામાં હજારો માઈ ભક્તો જોડાયા છે. છેલ્લા નવ વર્ષથી માઈ ભક્તો દ્વારા પાવાગઢની ૪૪ કિલોમીટરની પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિરે ૫૦૦ વર્ષ બાદ ધ્વજા રોહણ અને જીર્ણોદ્ધાર થયા બાદ ભક્તોનો ભારે ઘસારો જોવા મળે છે. આ પરિક્રમા વિશે જેમ જેમ લોકોને ખબર પડી રહી છે, તેમ તેમ દર વર્ષે ભક્તોની સંખ્યા પણ વધી રહી છે.
પાવાગઢની તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિરેથી તાજપુરા આશ્રમના પૂ.લાલ બાપુ, રામજી મંદિરના રામ શરણ બાપુ તેમજ અન્ય સાધુ સંતો અને ધારાસભ્ય સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં બે દિવસની ૯ મી પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ થયો છે. શિયાળામાં ઠંડક રહેતી હોવાથી ભક્તોને ખાસ કોઈ તકલીફ પણ નથી પડતી. પહાડોની વચ્ચે કુદરતી સૌદર્યને માણતા માણતા અને માતાજીનું નામ લેતા ભક્તો હર્ષોલ્લાસ સાથે આ યાત્રા કરે છે. પરિક્રમામાં વડોદરા, પંચમહાલ તેમજ આસપાસના જિલ્લામાંથી સેંકડો ભક્તો ઉમટ્યા છે.