Last Updated on by Sampurna Samachar
ઓપરેશન સિંદુરનો ૫ મિનિટ ૫૦ સેકેન્ડનો વીડિયો બહાર પડાયો
વાયુસેનાના વડા એર ચીફ માર્શલ સિંહે આપી જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે ૬ અને ૭ મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ અભિયાન દ્વારા ભારતે પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (POK) માં ૯ આતંકી કેમ્પને ધ્વસ્ત કર્યા હતા. ઓપરેશન સિંદૂરના ત્રણ મહિના બાદ ભારતીય વાયુસેનાએ ૫ મિનિટ ૫૦ સેકેન્ડનો એક વીડિયો જારી કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ભારતે કઈ રીતે આતંકીઓની કમર તોડવાની સાથે પાકિસ્તાનના મનોબળને પણ તોડ્યું હતું.

ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરમાં આતંકીઓના કેમ્પ પર એર સ્ટ્રાઇક કરી હતી, જેમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનું હેડક્વાર્ટર અને જૈશ-એ-મોહમ્મદના મુખિયા મસૂદ અઝહરનો કેમ્પ તબાહ થઈ ગયો હતો. આ ઓપરેશનમાં ૧૦૦થી વધુ આતંકીઓના મોત થયા હતા.
૫ પાકિસ્તાની ફાઇટર જેટ અને એક મોટું વિમાન તોડી પડાયું
ભારતે મરકઝ સુભાન અલ્લાહ બહાવલપુર, મરકઝ તૈયબા મુરીદકે, સરજલ તેહરા કલાન, મેહમૂના ઝોયા સિયાલકોટ, મરકઝ અહલે હદીસ બરનાલા, મરકઝ અબ્બાસ કોટલી, મસ્કર રાહીલ શાહિદ કોટલી, શવાઈ નાલા કેમ્પ મુઝફ્ફરાબાદ અને સૈયદના બિલાલ કેમ્પ મુઝફ્ફરાબાદ પર હુમલો કર્યો હતો.
ઓપરેશન સિંદૂરની સફળતાનો ઉલ્લેખ કરતા, તાજેતરમાં વાયુસેનાના વડા એર ચીફ માર્શલ સિંહે બે પ્રકારના ચિત્રો બતાવ્યા, જે પાકિસ્તાનમાં થયેલા નુકસાન પહેલા અને પછીના હતા. આ ચિત્રો સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ સંપૂર્ણ ચોકસાઈ સાથે આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ સાથે, ભારતીય વાયુસેનાના વડાએ પ્રથમ વખત સત્તાવાર રીતે પુષ્ટિ કરી કે ૫ પાકિસ્તાની ફાઇટર જેટ અને એક મોટું વિમાન (ગુપ્ત માહિતી એકત્રિત કરતું વિમાન) તોડી પાડવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ઘણા એરબેઝનો પણ નાશ કર્યો હતો.