Last Updated on by Sampurna Samachar
વક્ફ બિલને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવાનું ષડયંત્ર ગણાવ્યું
મુસ્લિમ સમુદાયોના હિતોની રક્ષા સ્વરૂપે રજૂ કરાયું વક્ફ બિલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આખરે વક્ફ સંશોધન બિલ ૨૦૨૪ને લોકસભા અને રાજ્યસભા બંને ગૃહ તરફથી લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ બિલને રાજ્યસભામાં પણ બહુમતીથી પાસ થઈ ગયું હતું. આ બિલ દ્વારા વક્ફ સંપત્તિઓના મેનેજમેન્ટ અને વિવાદોની પતાવટમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે.

સરકારના જણાવ્યાં મુજબ આ બિલને મુસ્લિમ મહિલાઓના અધિકારોને મજબૂત કરવા અને તમામ મુસ્લિમ સમુદાયોના હિતોની રક્ષા સ્વરૂપે રજૂ કરાયું જ્યારે વિપક્ષે તેને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવાનું ષડયંત્ર ગણાવ્યું. આ બધા વચ્ચે એક રસપ્રદ ઘટના જોવા મળી જ્યારે વિપક્ષને એક મોટો ઝટકો મળ્યો. બન્યું એવું કે બે પક્ષોએ છેલ્લી ઘડીએ પોતાનું સ્ટેન્ડ બદલી નાખ્યું.
સાંસદોને મતદાન માટે સ્વતંત્ર છોડી દીધા
અસલમાં તેને ભાજપની ગુગલી કહો કે પછી આ બંને પક્ષોનો મૂડ સ્વિંગ કહો. પરંતુ BJD અને YSRCP એ છેલ્લી ઘડીએ પોતાના સાંસદોને મતદાન કરવા માટે સ્વતંત્ર છોડી દીધા. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન બીજેડીના ફ્લોર લીડર સસ્મિત પાત્રાએ જાહેરાત કરી કે તેમની પાર્ટી પોતાના સાંસદોને વ્હીપ જારી કરશે નહીં.
તેમણે કહ્યું કે અમે અલ્પસંખ્યક સમુદાયોની ભાવનાનું સન્માન કરીએ છીએ અને અમારા સાંસદ પોતાની વિવેકબુદ્ધિના આધારે મતદાન કરશે. એ જ રીતે YSRCP એ પણ પોતાના સાંસદોને મતદાન માટે સ્વતંત્ર છોડી દીધા. તેનાથી વિપક્ષી દળોની રણનીતિ નબળી પડી ગઈ. કારણ કે આવું પહેલીવાર બન્યું હતું કે જ્યારે કોઈ બિન એનડીએ પક્ષો આ બિલ પર વિપક્ષની સાથે ખુલીને પડખે ન રહ્યા.
આ બિલ પર મતદાન પહેલા સુધી બીજેડી વિપક્ષ સાથે હતી. પરંતુ છેલ્લી ઘડીએ તેણે પોતાનું સ્ટેન્ડ બદલ્યું. તેનાથી વિપક્ષને મોટો ઝટકો લાગ્યો. આવું પહેલીવાર બન્યું કે જ્યારે કોઈ બિન એનડીએ પક્ષે વિપક્ષના વલણથી અલગ જઈને બિલ વિરુદ્ધ કોઈ કડક વલણ અપનાવ્યું નહી. આ બધા વચ્ચે અમિત શાહે સ્પષ્ટ કર્યું કે ૨૦૧૩ના કાનૂનમાં નાગરિક કોર્ટોમાં વક્ફ સંલગ્ન કેસોની સુનાવણીની જોગવાઈ નહતી. જ્યારે નવા બિલમાં તેને ક્લિયર કરાયું છે.