Last Updated on by Sampurna Samachar
ભારતીય સૈન્યએ કડક કર્યા નિયમો
બદલાતા સમય અને ટૅક્નોલૉજીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મોટો ફેરફાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પોલિસીમાં ફેરફાર કર્યો હોવાના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે સૈનિકો અને અધિકારીઓને ઇન્સ્ટાગ્રામ પર સર્ફિંગ કરવાની કે મોનિટર કરવાની છૂટ અપાઈ છે. જોકે, તેઓ કોઈ પોસ્ટ નહીં કરી શકે અને કોઈ પોસ્ટ પર લાઇક, શેર અને કોમેન્ટ પણ નહીં કરી શકે.

ભારતીય સેનાના તમામ યુનિટો અને વિભાગો માટે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ, સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. હવે સૈનિકોને જાગૃતિ અને માહિતી મેળવવાના હેતુથી સોશિયલ મીડિયા કન્ટેન્ટ માત્ર જોવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ સુરક્ષાના કારણોસર કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવા પર પ્રતિબંધ યથાવત્ રાખવામાં આવ્યો છે એટલે કે સૈનિકો કોઈપણ પોસ્ટ કે તેના પર લાઇક, શેર કે કોમેન્ટ કરી શકશે નહીં.
એપ્સનો મર્યાદિત અને સુરક્ષિત ઉપયોગ કરવાની મંજૂરી
આ ઉપરાંત, સેનાએ ફેક ન્યૂઝ સામે લાલ આંખ કરી છે, જો કોઈ સૈનિકને સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરતી કે ખોટી માહિતી જણાય, તો તેણે તાત્કાલિક વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવાની રહેશે જેથી રાષ્ટ્રીય સુરક્ષા અને માહિતીની ચોકસાઈ જળવાઈ રહે.
તાજેતરમાં ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ચાણક્ય ડિફેન્સ ડાયલોગ દરમિયાન સૈનિકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે, આજની જેન ઝી સેનામાં જોડાવા માંગે છે, પરંતુ સેનાના શિસ્ત અને સોશિયલ મીડિયા વચ્ચે એક વિરોધાભાસ દેખાય છે.
જેના જવાબમાં જનરલ દ્વિવેદીએ કહ્યું કે, આ ખરેખર એક મોટો પડકાર છે. જ્યારે યુવાન કેડેટ્સ NDA માં આવે છે, ત્યારે તેઓ સૌથી પહેલા પોતાના રૂમમાં છુપાવેલા ફોન શોધે છે. તેમને એ સમજાવતા ત્રણથી છ મહિના લાગી જાય છે કે ફોન વગર પણ જિંદગી છે.
જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આજના યુગમાં સ્માર્ટફોન એક અનિવાર્ય જરૂરિયાત બની ગયો છે. તેમણે આગળ કહ્યું કે, હું સૈનિકોને સ્માર્ટફોન વાપરવાની ક્યારેય ના નથી પાડતો. આપણે મોટાભાગે ફિલ્ડમાં હોઈએ છીએ. બાળકની સ્કૂલ ફી ભરવાની હોય, માતા-પિતાની તબિયત જાણવાની હોય કે પત્ની સાથે વાત કરવાની હોય, આ બધું ફોન દ્વારા જ શક્ય બને છે.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપવા બાબતે આર્મી ચીફે જણાવ્યું કે, રિએક્ટ કરવું અને રિસ્પોન્ડ કરવું એ બંને અલગ વાતો છે. તેમણે સમજાવ્યું કે, રિએક્ટ કરવું એટલે વગર વિચારે તરત જવાબ આપી દેવો, જ્યારે રિસ્પોન્ડ કરવું એટલે ગંભીરતાથી વિચારીને જવાબ આપવો. અમે નથી ઇચ્છતા કે અમારા સૈનિકો ઉતાવળમાં કોઈ પણ વિવાદ કે ચર્ચામાં ફસાય. તેથી જ તેમને X જેવા પ્લેટફોર્મ પર માત્ર કોન્ટેન્ટ જોવાની મંજૂરી આપવામાં આવી છે, જવાબ આપવાની નહીં.”
ભૂતકાળમાં હની ટ્રેપ અને સંવેદનશીલ માહિતી લીક થવાના કિસ્સાઓને કારણે ૨૦૨૦માં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત ૮૯ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, હવે સેના સત્તાવાર રીતે ફેસબુક, યુટ્યુબ, X , લિંક્ડઇન અને વોટ્સએપ જેવી એપ્સનો મર્યાદિત અને સુરક્ષિત ઉપયોગ કરવાની મંજૂરી આપી રહી છે.
વર્ષ ૨૦૧૭માં તત્કાલીન સંરક્ષણ રાજ્ય મંત્રી સુભાષ ભામરેએ સંસદમાં જણાવ્યું હતું કે, માહિતીની સુરક્ષા જાળવવા અને તેનો દુરુપયોગ રોકવા માટે આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯ સુધી સેનાના જવાનો કોઈ પણ સોશિયલ મીડિયા ગ્રૂપનો હિસ્સો બની શકતા નહોતા. ત્યારબાદ ૨૦૨૦ માં નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા અને સૈનિકોને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત ૮૯ મોબાઈલ એપ્સ ડિલીટ કરી નાખવા આદેશ આપવામાં આવ્યો હતો.
જોકે, આટલા કડક નિયમો હોવા છતાં, સેનાએ ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન, ક્વોરા, ટેલિગ્રામ અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ્સના મર્યાદિત ઉપયોગની છૂટ આપી હતી, પણ તે માટે કડક મોનિટરિંગ સિસ્ટમ રાખવામાં આવી છે.