Last Updated on by Sampurna Samachar
BSF એ શહીદના પરિવાર પ્રત્યે ઊંડી લાગણી વ્યક્ત કરી
ગોળીબાર ઘણાં સમય સુધી ચાલ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) નો વધુ એક જવાન પાકિસ્તાન-ભારત વચ્ચે થયેલા સંઘર્ષમાં શહીદ થયાની માહિતી મળી છે. રાત્રે જમ્મુના આરએસ પોરામાં પાકિસ્તાનની સેના દ્વારા થયેલા ક્રોસ-બોર્ડર ગોળીબારમાં બીએસએફનો કોન્સ્ટેબલ દીપક ચિમંગખમ ગંભીર રૂપે ઘાયલ થયા હતા. તેમણે ૧૧ મેના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. BSF એ શહીદના પરિવાર પ્રત્યે ઊંડી લાગણી વ્યક્ત કરી હતી. સન્માન સાથે પલૌરા ફ્રન્ટિયર મુખ્યાલય જમ્મુમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર જવાન ૨૫ વર્ષીય દીપક મણીપુરનો રહેવાસી હતો. પહલગામ હુમલા બાદ પાકિસ્તાન દ્વારા વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી LOC અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો. આ ગોળીબાર ઘણાં સમય સુધી ચાલ્યો હતો. જેમાં જમ્મુ-કાશ્મીર સરકારના એક વરિષ્ઠ અધિકારી અને બે સુરક્ષાદળના અધિકારી શહીદ થયા હતા. આ સિવાય અન્ય જવાનો સહિત કુલ સાત લોકો શહીદ થયા છે. જેમાં BSF સબ ઈન્સ્પેક્ટર મોહમ્મદ ઈમ્તિયાઝ પણ શહીદ થયા હતા.
BSF જમ્મુએ તમામ શહીદોની અંતિમ વિધિ પૂર્ણ કરી
રાજૌરીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશનર રાજકુમાર થાપા અને તેમના સ્ટાફના અન્ય બે સભ્યો પણ આ ક્રોસ બોર્ડર ફાયરિંગમાં ગંભીર રૂપે ઘાયલ થયા હતા. તમામની ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. તેમાં હિમાચલ પ્રદેશના સુબેદાર મેજર પવન કુમાર શહીદ થયા હતા. BSF જમ્મુએ તમામ શહીદોની રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધિ પૂર્ણ કરી હતી.