Last Updated on by Sampurna Samachar
ગ્રાહકોને આકર્ષવા નફાની લાલચ આપવામાં આવતી હોવાની માહિતી
SOG એ ૮ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સનરાઈઝ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટનો સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ પર્દાફાશ કર્યો છે. ગેમિંગ-ટ્રેડિંગ રેકેટમાં લગભગ ૯૪૩ કરોડના આર્થિક વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે સમગ્ર મામલે SOG એ ૮ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સુરતના મોટા વરાછાના લજામણી ચોક ખાતે સનરાઈઝ ડેવલપર્સ નામની ઓફિસમાં ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોવાની SOG ને માહિતી મળી હતી. જેને લઈને SOG ની ટીમે દરોડા પાડતાં કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં SEBI ની પરવાનગી વગર CASTILO ૯ અને STOCK GROW જેવાં સોફ્ટવેર દ્વારા ડબ્બા ટ્રેડિંગ અને વિવિધ પ્રતિબંધિત વેબસાઈટ્સ દ્વારા ઓનલાઈન ગેમિંગનો ધંધો ચાલતો હતો.
૧૭.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
સમગ્ર મામલે SOG ને જાણવા મળ્યું હતું કે, કન્સ્ટ્રક્શનની ઓફિસ સનરાઈઝ ડેવલપર્સમાં ગેરકાયદે રીતે NEXON EXCH . COM, PAVANEXCH સહિતની વિવિધ વેબસાઈટ્સ અને સોફ્ટવેર થકી લાઈવ ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ સહિતની અલગ-અલગ ગેમથી સટ્ટો ચલાવવામાં આવતો હતો.આ માધ્યમ પર આરોપીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નફાની લાલચ આપતા અને બ્લેક મનીનું સેટિંગ પણ કરી આપતા હોવાનું સામે આવ્યું છે.
આમ ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ દ્વારા ૯૪૩ કરોડના વ્યવહારો થયા છે. જ્યારે ૨૫૦ થી વધુ લોકોએ અત્યારસુધીમાં ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં રૂ.૪.૬૨ કરોડનાં અન્ય ટ્રાન્ઝેક્શનો પણ મળી આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, અગાઉ પણ મુખ્ય આરોપી નંદલાલ પર ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીની ફરિયાદ થયેલી છે. SOG મુખ્ય સૂત્રધાર નંદલાલ ઉર્ફે નંદો વિઠલભાઈ ગેવરિયા, તેના પિતરાઈ ભાઈ વિશાલ ઉર્ફે વિક્કી મનસુખભાઈ ગેવરિયા, ભાવેશ જીણાભાઈ કિહલા, જયદીપ કાનજીભાઈ પીપળિયા, નવનીત ચતુરભાઈ ગેવરિયા, ભાવિન અરવિંદભાઈ હીરપરા, બકુલ મગનભાઈ તરસરિયા અને સાહીલ મુકેશભાઈ સુવાગિયાની ધરપકડ કરીને ૧૯ મોબાઈલ ફોન, ૪ લેપટોપ, ૧૦ લાખ રોકડ, ૩૧ પાસબુક, ૮૭ ચેકબુક, ૧૩ સિમકાર્ડ સહિત કુલ રૂ.૧૭.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.