Last Updated on by Sampurna Samachar
પિસ્તોલથી ફાયરિંગ કર્યું અને ૪ ગોળીઓ ધરબી દીધી
આરોપી પતિએ પોલીસ સામે જઇ સરેન્ડર કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગ્લુરુમાંથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. અહીં ૪૦ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે તેની અલગ રહેતી પત્નીને ગોળી મારી દઇ મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ એન્જિનિયરે ખુદ પોલીસ સ્ટેશનમાં જઈને સરેન્ડર કર્યું હોવાનુ સામે આવ્યું છે. જે અંગે પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે.

પોલીસ અધિકારીના જણાવ્યું કે, પીડિતા ભુવનેશ્વરી યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની બસવેશ્વરનગર બ્રાન્ચમાં આસિસ્ટન્ટ મેનેજર હતી. તે કામ પરથી ઘરે પરત ફરી રહી હતી. ત્યારે આરોપી બાલામુરુગને મગાડી રોડ નજીક અટકાવી હતી. ત્યારબાદ તેણે નજીકથી પિસ્તોલથી ફાયરિંગ કર્યું અને ૪ ગોળીઓ ધરબી દીધી. ત્યારબાદ તેને શાનબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ હોસ્પિટલમાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવી.
આરોપીને પત્નીને ચારિત્ર્ય પર શંકા હતી
૨૦૧૧માં લગ્ન કરનારા અને બે બાળકોના માતા-પિતા આ દંપતી લગ્નજીવનમાં અણબનાવ બાદ છેલ્લા ૧૮ મહિનાથી અલગ રહેતું હતું. પોલીસે જણાવ્યું કે, આરોપીને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. તેનાથી દૂર રહેવાના પ્રયાસમાં ભુવનેશ્વરી છ મહિના પહેલા વ્હાઈટફિલ્ડથી રાજાજીનગર શિફ્ટ થઈ ગઈ હતી.
જોકે, બાલામુરુગને તેનો એડ્રેસ જાણી લીધો અને તેના પર નજર રાખવા માટે ચાર મહિના પહેલા કેપી અગ્રહારા પોલીસ લિમિટ હેઠળ આવતા ચોલુરપાલ્યામાં રહેવા જતો રહ્યો. એક અઠવાડિયા પહેલા તેણે ભુવનેશ્વરીને છૂટાછેડા માટે કાનૂની નોટિસ મોકલી હતી. વેસ્ટ ડિવિઝનના ડીસીપી એસ. ગિરીશે જણાવ્યું કે, આરોપી અગાઉ એક પ્રાઈવેટ આઈટી ફર્મમાં કામ કરતો હતો પરંતુ છેલ્લા ચાર વર્ષથી બેરોજગાર હતો.
આરોપી અને પીડિતા બંને તમિલનાડુના સેલમ જિલ્લાના રહેવાસી છે. હત્યાને અંજામ આપ્યા બાદ બાલામુરુગન મગાડી રોડ પોલીસ સ્ટેશન ગયો અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો. તેણે હથિયાર પોલીસને સોંપી દીધું. પોલીસે એક્ટની કલમ ૧૦૩ હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે