Last Updated on by Sampurna Samachar
પંજાબ ભયંકર પૂરનો કરી રહ્યો છે સામનો
શિવરાજ સિંહે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબ હાલ કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે પૂર આવતાં ૪૩થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ૧.૭૧ લાખ હેક્ટરમાં ફેલાયેલો પાક બરબાદ થયો છે. ૨૩ જિલ્લાના ૧૯૦૨ ગામ પાણીમાં ગરકાવ થયા છે. લગભગ ૩,૮૪,૨૦૫ લોકો અસરગ્રસ્ત થયા છે. પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં અત્યારસુધી ૨૦,૯૭૨ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે.
પંજાબના મમહેસૂલ, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી હરદીપ સિંહ મુંડિયને જણાવ્યું કે, ભયાવહ પૂરના કારણે ૨૩ જિલ્લાના કુલ ૧૯૦૨ ગામ પ્રભાવિત થયા છે. જેનાથી ૩.૮૪ લાખથી વધુ લોકોનું જીવન ખોરવાયુ છે. પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં અત્યારસુધીમાં ૨૦૯૭૨ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ૨૪ કલાકમાં વધુ છ લોકોના મોત થયા છે. આ સાથે ૧૪ જિલ્લામાં મૃતકોની સંખ્યા વધી ૪૩ થઈ છે.
કેજરીવાલે કેન્દ્ર સરકારને પંજાબને મદદ કરવાની અપીલ કરી
હોશિયારપુરમાં સાત, પઠાણકોટમાં છ, બરનાલા અને અમૃતસરમાં ૫-૫, લુધિયાણા અને બઠિંડામાં ચાર-ચાર, ગુરદાસપુર અને એસએએસ નગરમાં બે-બે, પટિયાલા, રૂપનગર, સંગરૂર, ફાઝિલ્કા, અને ફિરોઝપુરમાં ૧-૧ના મોત થયા છે. પઠાણકોટમાં ત્રણ લોકો ગુમ છે. પૂર સંબંધિત આંકડા ૧ ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર સુધીના છે. પંજાબમાં પૂરની તબાહીમાં ખેતરો તણાયા છે. ૧.૭૧ લાખ હેક્ટરમાં ઉભો પાક નષ્ટ થયો છે. ગુરદાસપુર, અમૃતસર, ફાઝિલ્કા, કરૂરથલા, માનસામાં પાકને સૌથી વધુ નુકસાન થયુ છે.
આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલે કેન્દ્ર સરકારને પંજાબને મદદ કરવાની અપીલ કરી છે. કેજરીવાલે નિવેદન આપ્યું છે કે, કેન્દ્ર સરકારને અપીલ કરુ છું કે, તેઓ પંજાબમાં આવેલી આ કુદરતી આફતમાં થઈ શકે તેટલી મદદ કરે.
ગઈકાલે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારો અમૃતસર, ગુરદાસપુર, અને કપૂરથલાની મુલાકાત લીધી હતી. પૂરપીડિતોને આશ્વાસન આપ્યું હતું કે, આ સંકટની પળમાં કેન્દ્ર સરકાર તેમની સાથે છે. બે કેન્દ્રીય ટુકડી આ પરિસ્થિતિનું આંકલન કરવા પંજાબની મુલાકાત કરી રહી છે. તે આંકલન કર્યા બાદ કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપશે.
તેમણે કહ્યું કે, સ્પષ્ટપણે નુકસાન દેખાઈ રહ્યું છે, પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયુ છે. ખેતરો ડૂબી ગયા છે. પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાએ અમૃતસર એરપોર્ટ પર શિવરાજ ચૌહાણને પૂરની સ્થિતિનો વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં જાનમાલ, પાક અને માળખાગત સુવિધાઓને થયેલા નુકસાનની માહિતી આપવામાં આવી હતી.
છછઁ ના પ્રમુખ અરવિંદ કેજરીવાલે પણ કપૂરથલાના સુલ્તાનપુર લોધીમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. કેન્દ્રને આ સંકટમાં પંજાબની મદદ કરવા અપીલ કરી હતી. તેમણે ચંદીગઢ સ્થિત પોતાના સત્તાવાર નિવાસ સ્થાન પર રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માન સાથે પણ મુલાકાત કરી હતી. ભગવંત માન હાલ બીમારીથી પીડિત છે. તેમને તાવ આવી રહ્યો હોવાથી તે કેજરીવાલ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી શક્યા નહીં.
મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે, પૂરગ્રસ્ત ગામમાં ગેઝેટેડ અધિકારીની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેથી પૂરપીડિત લોકોની સમસ્યા સરળતાથી વહીવટીતંત્ર સુધી પહોંચાડી શકાય. રાજ્ય સરકારે પૂરથી થયેલા નુકસાનનું આંકલન કરવા માટે ખાસ સર્વેક્ષણ કરવા આદેશ આપ્યો છે.